સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ સાથે એકતા નગરમાં ઉજવાશે સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ
એકતા નગર બનશે રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર, સરદાર પટેલના વંશજોની વિશેષ ઉપસ્થિતિ રહશેઃ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લૌહપુરુષના વારસાની હાજરીથી ઉજવણી બનશે ઐતિહાસિક
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત એકતા નગરમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જોવા માટે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સતત મોટી સંખ્યામાં આવી રહ્યા છે. લૌહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તા. ૩૧ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતા નગરની મુલાકાત લેશે. આ વિશેષ પ્રસંગે સરદાર પટેલના વંશજો પણ ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
સરદાર વલ્લભભાઈ પટેલના વંશજોમાં શ્રી ગૌતમ ડાહ્યાભાઈ પટેલ (સરદાર પટેલના પૌત્ર) હાલ ૮૦ વર્ષના છે અને તેઓ પરિવારના વરિષ્ઠ સભ્ય તરીકે ઉપસ્થિત રહેશે. તેમની પત્ની ડો. નંદિતા ગૌતમ પટેલ ૭૯ વર્ષની છે. સરદાર પટેલના પ્રપૌત્ર તરીકે શ્રી કેદાર ગૌતમ પટેલ (વયઃ ૪૭ વર્ષ) પણ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. તેમની પત્ની શ્રીમતી રીના પટેલ (વયઃ ૪૭ વર્ષ) તથા તેમની પુત્રી કુમારી કરીના કેદાર પટેલ (વયઃ ૧૩ વર્ષ) – જે સરદાર પટેલની પ્રપ્રપૌત્રી છે – પણ એકતા નગર ખાતે પહોંચશે.
આ ઉપરાંત, શ્રી ગૌતમ ડાહ્યાભાઈ પટેલના પિતરાઈ શ્રી સમીર ઇન્દ્રકાંત પટેલ (વયઃ ૬૮ વર્ષ) તથા તેમની પત્ની શ્રીમતી રીતા એસ. પટેલ (વયઃ ૬૬ વર્ષ) પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી રાષ્ટ્રીય ગૌરવના આ કાર્યક્રમનો ભાગ બનશે.
સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિ વડાપ્રધાનની મુલાકાતને વધુ સ્મરણિય અને ઐતિહાસિક બનાવશે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશની એકતા, અખંડતા અને સંકલ્પનું પ્રતિક છે, અને આ પ્રસંગે સરદાર સાહેબના પરિવારમાંથી અનેક પેઢીઓ એક સાથે એકતા નગર ખાતે ઉપસ્થિત થવી એ સ્વયં રાષ્ટ્રીય ગૌરવનો ક્ષણ છે.
એકતા નગર હવે માત્ર પ્રવાસન સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રની એકતાનું જીવંત પ્રતિક બની ગયું છે. સરદાર પટેલના વંશજોની ઉપસ્થિતિથી આ કાર્યક્રમમાં દેશભક્તિ અને કુટુંબિય ગૌરવની ભાવના વધુ પ્રગટ થશે.
