ભારતમાં પેસેન્જર એરક્રાફ્ટનું ઉત્પાદન થશે: HAL અને રશિયાની PJSC-UAC વચ્ચે MoU
આ એરક્રાફ્ટમાં સામાન્ય રીતે ૯૮ થી ૧૦૩ મુસાફરોની બેસવાની ક્ષમતા હોય છે.
મહત્તમ ક્રુઝ સ્પીડ મેક ૦.૮૨ સુધીની છે, જે આશરે ૮૭૦ થી ૮૯૦ કિલોમીટર પ્રતિ કલાકની હોય છે.
તેની ફ્લાઇટ રેન્જ વેરિયન્ટના આધારે આશરે ૩,૫૩૦ કિલોમીટરથી ૪,૫૦૦ કિલોમીટર સુધીની હોય છે.
એરક્રાફ્ટની ઇંધણ ક્ષમતા વેરિયન્ટ મુજબ બદલાય છે, પરંતુ સ્ટાન્ડર્ડ મોડલમાં લગભગ ૧૩,૧૩૫ લિટર (કેરોસીન જેટ ફ્યુઅલ) હોય છે.
નવી દિલ્હી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ મંગળવારે જાહેરાત કરી છે કે તેણે SJ-100 સિવિલ કમ્યુટર એરક્રાફ્ટના ઉત્પાદન માટે રશિયાની પબ્લિક જોઈન્ટ સ્ટોક કંપની યુનાઈટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (PJSC-UAC) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર રશિયાના મોસ્કોમાં કરવામાં આવ્યો છે.

કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, આ MoU પર HALના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી.કે. સુનીલ અને PJSC-UACના ડાયરેક્ટર જનરલ વાદિમ બડેકાની હાજરીમાં HALના પ્રભાત રંજન અને PJSC-UACના ઓલેગ બોગોમોલોવ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
SJ-100 એરક્રાફ્ટ: પ્રાદેશિક ઉડ્ડયન માટે ગેમ ચેન્જર
SJ-100 એ ટ્વીન-એન્જિન, નેરો-બોડી એરક્રાફ્ટ છે, જે વિશ્વભરમાં ૧૬ કોમર્શિયલ એરલાઇન્સમાં ૨૦૦થી વધુ વિમાનો સાથે પહેલેથી જ કાર્યરત છે.
HALએ જણાવ્યું કે આ સહયોગ ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્ર માટે એક મોટું પ્રોત્સાહન બની રહેશે.
કંપનીએ કહ્યું, “SJ-100 ભારતમાં UDAN યોજના હેઠળ શોર્ટ-હોલ કનેક્ટિવિટી માટે ગેમ ચેન્જર સાબિત થશે. આ વ્યવસ્થા હેઠળ, HALને SJ-100નું ઉત્પાદન કરવાનો અધિકાર મળશે.”
ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ માટે ઐતિહાસિક સીમાચિહ્ન
આ જાહેરાત એક ઐતિહાસિક સીમાચિહ્ન દર્શાવે છે, કારણ કે આ પહેલીવાર હશે જ્યારે સંપૂર્ણ પેસેન્જર એરક્રાફ્ટનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે.
અગાઉનો આવો પ્રોજેક્ટ HAL દ્વારા AVRO HS748નું ઉત્પાદન હતો, જે ૧૯૬૧માં શરૂ થયો હતો અને ૧૯૮૮ સુધી ચાલુ રહ્યો હતો.
HALના જણાવ્યા અનુસાર, પ્રાદેશિક કનેક્ટિવિટીને મજબૂત કરવા માટે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને આગામી દાયકામાં આ શ્રેણીના ૨૦૦થી વધુ જેટ વિમાનોની જરૂર પડશે.
આ ઉપરાંત, નજીકના આંતરરાષ્ટ્રીય પ્રવાસી સ્થળોને સેવા આપવા માટે હિંદ મહાસાગર ક્ષેત્રને વધુ ૩૫૦ વિમાનોની જરૂર પડી શકે છે.
આ ભાગીદારી દ્વારા, HALનો હેતુ ૩૦ વર્ષથી વધુ સમય પછી પેસેન્જર એરક્રાફ્ટનું ઉત્પાદન દેશમાં પાછું લાવીને, ભારતના વધતા ઉડ્ડયન મહત્વાકાંક્ષાઓમાં યોગદાન આપવાનો અને સરકારના ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલને સમર્થન આપવાનો છે.
