SoU નજીક નર્મદાઘાટમાં ત્રણ શ્રમિકોના મોત મામલે એજન્સી-કોન્ટ્રાક્ટર સામે ગુનો
ત્રણેય શ્રમિકોના પરિવારને એજન્સી રૂ.પ૦ લાખ ચૂકવવાનો આદેશ
રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નર્મદા નદીના કિનારે આવેલા ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન રવિવારે સર્જાયેલી દુર્ઘટનામાં ભેખડ ધસી પડતા અકતેશ્વર ગામમાં ૩ સ્થાનિકો શ્રમિકોના મોત નિપજ્યા હતા. પોલીસે આ મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી હતી.
બીજી તરફ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર ૩ શ્રમિકોના પરિવારને પરિવાર દીઠ પ૦ લાખ રૂપિયા એજન્સી ચૂકવવાનો નિર્ણય લેવામાં આવતા મામલો થાળે પડયો હતો. આ ઉપરાંત મૃત્યુ પામનાર પરિવારમંથી યોગ્યતા મુજબ પરિવારમાંથી એક વ્યક્તિને નર્મદા નિગમમાં નોકરી પણ મળશે તેવી ખાત્રી આપવામાં આવી હતી.
આ દુર્ઘટનામાં પોલીસે એમ ઈંફા એજન્સી અને કોન્ટ્રાકટર શૈલેષ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરી (બીએનએસ)ની કલમ ૧૦૬(૧) (બેદરકારીથી મૃત્યુ) અને પ૩ (સલામતીના નિયમોનુ ઉલ્લંઘન) મુજબ ફરિયાદ નોંધી આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
બીજે દિવસે ગરૂડેશ્વર સરકારી દવાખાને નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ, ભાજપ પ્રમુખ નીલ રાવ, ધારાસભ્ય ચૈતર વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ તડવી, રણજીત તડવી, નિરંજન વસાવા, સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નિગમના અધિકારીઓ અને એજન્સીએ મૃતકના પરિવારજનો સાથે બેઠક કરી હતી.
એ દરમિયાન મૃતકોના પરિવારને પરિવાર દીઠ કોન્ટ્રાક્ટર તરફથી પ૦ લાખ રૂપિયાની સહાય, મૃતકોના પરિવારના બાળકોને ભણતરની જવાબદારી, રાજ્ય સરકાર તરફથી પણ સહાય, સહિત નર્મદા નિગમ તરફથી પરિવારને ૧૮ વર્ષથી ઉપરનાને નોકરીની જાહેરાત કરાઈ હતી.
