Western Times News

Gujarati News

નકલી સરકારી કચેરી કૌભાંડના સુત્રધારને અમદાવાદથી પકડી દાહોદ પોલીસને સોંપાયો

પ્રતિકાત્મક

દાહોદના બહુચર્ચિત કેસનો વોન્ટેડ આરોપી રામ કુમાર પંજાબી ઝડપાયો

(પ્રતિનિધિ) દાહોદ, ગત વર્ષે દાહોદ જિલ્લામાં બહાર આવેલા નકલી કચેરી કૌભાંડ બાદ નકલી એન.એ હુકમ કૌભાંડ પ્રકાશમાં આવ્યું અને તે કૌભાંડમાં ત્રણ ટીડીઓ સહિત ચાર અધિકારીઓ તેમજ કેટલાક મોટા માથાઓની સંડોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં કુતબી રાવત તથા રામ કુમાર ઉર્ફે રામુ પંજાબી પોલીસ પકડથી દૂર ચાલ્યા જતા તેઓને ફરારી જાહેર કરવામાં આવ્યા હતા. તે પૈકી કુતબી રાવતે જાતે જ સરેન્ડર કર્યું હતું કર્યું હતું.

જ્યારે ફરારી જાહેર કરાયેલા રામકુમાર ઉર્ફે રામુ પંજાબીની પોલીસે પોતાને મળેલ બાતમીને આધારે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ પોલીસને સુપરત કરતા દાહોદ પોલીસ આજે ઘનિષ્ઠ પૂછપરછ કર્યા બાદ વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવા દાહોદની કોર્ટમાં રજૂ કર્યાનું જાણવા મળ્યું છે.

દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનાની ફરિયાદની તપાસના અંતે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જે ચાર્જ સીટમાં રામકુમાર ઉર્ફે રામુ પંજાબી નામના આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ નામદાર કોર્ટમાંથી તેનું વોરંટ મેળવવાની તજવીજ તથા તેની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન જિલ્લાના એલસીબી એસઓજી સહિતના તમામ થાણાની પોલીસ તેને પકડી પાડવા માટે તનતોડ વર્કઆઉટ કરતા હતા. આ દરમિયાન ગઈકાલે પોલીસ ને એક માહિતી મળી હતી કે સદર આરોપી રામુ પંજાબી અમદાવાદ ખાતે કોઈ કામ અર્થે આવવાનું હતો. જે માહિતીના આધારે ફિલ્ડમાં ઉતરેલ પોલીસની ટીમે માહિતી વાળા વિસ્તારમાં સર્ચ કરી રામુ પંજાબીને પકડી પાડ્‌યો હતો અને દાહોદ પોલીસને સુપરત કર્યો હતો.

રામુ પંજાબીની ધરપકડ થતા દાહોદ પોલીસે હાશકારો લીધો હતો. અને અને તે અત્યાર સુધી ક્યાં હતો? તે બાબતે પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે લાંબા ટાઈમથી નાસતો ફરતો રામુ પંજાબી અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી પોતાનું કામ કરતો હતો. આટલો સમય રામુ પંજાબીને પોલીસ પકડથી દૂર રહેવા કોણે કોણે મદદગારી કરી હતી ?,

આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે? કોના કોના કહેવાથી આ વસ્તુ થઈ હતી? આમાં કયા કયા સરકારી કર્મચારીઓ સામેલ છે ? અન્ય કોણ વ્યક્તિ તેના વતી કામ કરતો હતો અને નાણાકીય વ્યવહાર કરતો હતો તે તમામ મુદ્દાઓની તપાસ હાલ દાહોદ પોલીસ કરી રહી છે. રામુ પંજાબીનુ સદર કેસ સહિત અન્ય કેસમાં પણ નામ ખુલ્યું છે અને સરકારી કર્મચારીઓ સાથે મેળ પીપળા રાખી નકલી એન.એ ના હુકમો કરાવવામાં રામુ પંજાબીની મુખ્ય ભૂમિકા હોવાનું પણ મનાઈ રહ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.