ફટાકડાના વેપારીનો તોડ કરવાનું 4 પત્રકારોને ભારે પડ્યું
પ્રતિકાત્મક
ફટાકડાના વેપારીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક પત્રકારો દ્વારા તેમને ધમકાવીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી.-ડીસામાં ચાર પત્રકારના જામીન કોર્ટે ફરી ફગાવ્યા
ડીસા, ડીસામાં કથિત રીતે ફટાકડાના એક વેપારી પાસે ખંડણી માંગવા અંગે નોંધાયેલી ફરિયાદના મામલામાં સંડોવાયેલા ચાર પત્રકારોને સોમવારે બીજી મુદતે ડીસાની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જયાં કોર્ટે તેમના જામીન ફરી એકવાર નામંજૂર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર ફટાકડાના વેપારીએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે કેટલાક પત્રકારો દ્વારા તેમને ધમકાવીને ખંડણીની માંગણી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે દક્ષિણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને કુલ છ પત્રકારો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તપાસ દરમિયાન ચાર પત્રકારોને ઝડપી પાડ્યા હતા.
ઝડપાયેલા આ ચાર પત્રકારોને અગાઉ પ્રથમ મુદતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા. જામીન માટે બીજીવાર કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
જયાં બંને પક્ષોની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીસા કોર્ટના જજે આ ચારેય પત્રકારોના જામીન નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે જામીન અરજી ફગાવતા કથિત ખંડણી કેસમાં ઝડપાયેલા આ પત્રકારોને હાલ જેલમાં જ રહેવું પડશે. પોલીસ દ્વારા અન્ય બે ફરાર પત્રકારોને ઝડપી પાડવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવી છે. આ કેસની આગળની કાર્યવાહી હવે આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.
