Western Times News

Gujarati News

સ્થાનિક ચૂંટણી પહેલાં એકાદ સપ્તાહમાં BJP પ્રદેશ સંગઠનમાં નિમણૂંકો થશે

મંત્રીમંડળની જેમ ભાજપ સંગઠનમાં પણ રપથી વધુ યુવાન ચહેરાને કમાન સોંપાશે-મહામંત્રી, ઉપાધ્યક્ષ, મોરચામાં સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતનો દબદબો રહેશે

(એજન્સી)ગાંધીનગર,દિવાળી પહેલાં ભાજપ સરકાર-મંત્રીમંડળમાં યુવા ચહેરાઓનો જે રીતે સમાવેશ થયો છે તે જ રીતે દેવદિવાળી પહેલાં પ્રદેશ ભાજપ સંગઠનમાં પણ રપથી વધારે યુવાનોને નેતૃત્વની કમાન સોંપાય તો નવાઈ નહીં.

ડિસેમ્બરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થવા જઈ રહી છે. તે પહેલાં પ્રદેશ અધ્યક્ષ પછી સંગઠનમાં ૩૧થી વધારે મહત્ત્વની પદો ઉપર તેમજ જિલ્લા-મહાનગરોમાં પ્રમુખો પછીની જવાબદારીઓ માટે નિમણૂંકોનો દોર શરૂ થશે.

આ વર્ષના અંતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર એમ કુલ મળી છ વર્તમાન અને નવરચિત ૯ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૭૧થી વધુ નગરપાલિકાઓ, ૩૩ જિલ્લા અને રપ૦થી વધુ તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થશે.

તે પહેલાં પ્રદેશ ભાજપ સંગઠનમાં એક કાર્યાલય અને એક સંગઠન મહામંત્રી સિવાય ચારેય ઝોનમાંથી એક એક એમ કુલ મળીને ૪ મહામંત્રીઓ, ૧ર ઉપાધ્યક્ષ, ૧ર મંત્રી, એક કોષાધ્યક્ષ સહિત પ્રદેશ ભાજપ અધ્યક્ષની ૩૧ સભ્યોની ટીમ તૈયાર થશે.

તદુપરાંત અનુસૂચિત જાતિ-એસસી, અનુસૂચિત જનજાતિ, એચસી અને ઓબીસી, લઘુમતી, મહિલા યુવા અને કિસાન મોરચામાં પ્રદેશ અધ્યક્ષથી લઈને જિલ્લાકક્ષા સુધી રચના પણ થશે. તેના સિવાયના મીડિયા, સોશિયલ મીડિયા, આઈટી વેપાર, ડૉક્ટર, આર્થિક જેવા સેલના કન્વીનરોની નિમણૂંકો કરવાનો પણ તખ્તો તયાર થઈ ચૂકયો છે.

સંભવતઃ એકાદ સપ્તાહમાં નવી નિમણૂંકો સાથે જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના ઉપલક્ષ્યમાં પ્રચાર અને ઉમેદવારોના ચયનની પ્રક્રિયાઓ શરૂ થશે.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા મંત્રીમંડળમાંથી આવતા હોવાથી નવા સંગઠનમાં તેમની વયમાં નાના કે સમકક્ષ કેટલાક ધારાસભ્યોને સંગઠનમાં જવાબદારી સોંપાય તો નવાઈ નહીં. ભાજપમાં થતી ચર્ચાઓ મુજબ પ્રદેશ સંગઠનના માળખામાં રાજકાટ સહિતના સૌરાષ્ટ્ર તેમજ વડોદરાની સાથે મધ્ય ગુજરાતમાંથી યુવા નેતૃત્વને વધુ સ્થાન મળી શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.