Western Times News

Gujarati News

ઓવરબ્રિજનું કામ ચાલુ હતુ છતાં દારૂ ભરીને જતો કારનો ચાલક ઓવરબ્રિજ પર ચઢી ગયો

પ્રાંતિજથી વિજાપુર તરફ દારૂ ભરી જતી કાર પકડાઈ-પ્રાંતિજ પોલીસે કાર સહિત બે શકમંદોને ઝડપી લીધા

(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં થઈને અન્ય સ્થળે કેટલાક બુટલેગરો પાસ પરમીટ વિના વાહનોમાં દારૂ ભરીને હેરાફેરી કરી રહ્યા છે ત્યારે પ્રાંતિજ પોલીસે મંગળવારે બપોરના સુમારે બાતમીને આધારે પ્રાંતિજથી વિજાપુર તરફ કારમાં દારૂ ભરીને લઈ જવાતો હતો

ત્યારે ગમે તે કારણસર દારૂ ભરેલ કારનો ચાલક પોગલુ પાસેનો ઓવરબ્રિજ બંધ હોવા છતાં ચાલક ઓવરબ્રિજ પર ચઢી ગયો હતો. ત્યારબાદ પોલીસને જોઈ જતાં ચાલકે યુ ટર્ન મારતા અન્ય એક કાર પણ હડફેટે આવી ગઈ હતી. જોકે પોલીસે કારનો પીછો કરતા ચોર-પોલીસના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પ્રાંતિજ તાલુકાની હદમાં આવેલ પોગલુની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવેના ઓવરબ્રિજનું કામ ચાલતું હોવાને કારણે વાહનવ્યવહાર માટે ઓવરબ્રિજ બંધ કરાયો છે.

દરમ્યાન મંગળવારે બપોરના સુમારે પ્રાંતિજથી વિજાપુર તરફ એક આલીશાન કારમાં પાસ પરમીટ વિનાનો દારૂ લઈ જવાઈ રહ્યો છે તેવી બાતમી મળ્યા બાદ પ્રાંતિજ પોલીસે વાહનચેકિંગ શરૂ કર્યું હતુ. દરમ્યાન પ્રાંતિજથી વિજાપુર તરફ જતાં કારનો ચાલક પોલીસને જોઈ જતાં બચવા માટે તે બંધ ઓવરબ્રિજ પરથી ટર્ન મારીને હિંમતનગર તરફ હંકારી મુકતો હતો ત્યારે અચાનક અહીંથી પસાર થઈ રહેલ એક અન્ય કાર પણ હડફેટે આવી ગઈ હતી.

ત્યારબાદ પોલીસે કારને ઝડપી લઈ દારૂના જથ્થા સાથે બે જણાને ઝડપી લેવામાં આવ્યા હોવાનું આધારભૂત સુત્રોમાંથી જણાવાયું છે. જોકે પોલીસે કોની અટકાયત કરી ? અને કોને પકડી લીધા તે અંગે હજૂ સુધી પોલીસ તરફથી કોઈ વિગતો સાંપડી નથી. ડાયવર્ઝન હોવા છતાં પ્રાંતિજથી વિજાપુર તરફ જતો કારના ચાલકને કેવી રીતે પોલીસ આવી ગઈ હોવાની જાણકારી મળી તે અંગે પણ અનેક ચર્ચાએ જોર પકડ્‌યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.