ગોધરા જેલમાં સરદાર પટેલના જીવન પર કેદીઓએ આપી પરીક્ષા
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ભારત રત્ન અને અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મજ્યંતિ નિમિત્તે ગોધરા જેલમાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી.
જેલોના ડી.જી.પી. ડૉ. કે.એલ.એન. રાવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ગોધરાના ચેરમેન શ્રી સી.કે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ જેલના બંદિવાનો માટે “સરદાર પટેલના જીવન” વિષય પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેલ અધિક્ષક આર.બી. મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા ખેડૂતપુત્ર સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીને અનુરૂપ કેદીઓ સરદાર સાહેબના જીવન, વિચારો અને કાર્યો વિશે માહિતગાર બને તે હેતુથી આ પરીક્ષા યોજાઈ હતી. કેદીઓને સરદાર પટેલના જીવનવૃતાંત વાંચવા માટે અગાઉથી આપવામાં આવ્યો હતો અને તે આધારે વૈકલ્પિક પ્રશ્નોતરી લેવામાં આવી.
આ પરીક્ષામાં કુલ ૭૮ ગુજરાતી માધ્યમના તથા ૧૨ હિન્દી માધ્યમના કેદીઓએ ભાગ લીધો હતો, સાથે જ એક જેલ પોલીસ કર્મચારીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો. પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન મેળવનાર બંદિવાનને પ્રમાણપત્ર તેમજ ભેટ આપવામાં આવશે. આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ, સરદાર પટેલની જન્મજયંતિના દિવસે જેલ પરિસરમાં “રન ફોર યુનિટી”નું આયોજન પણ કરવામાં આવશે.
આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ શ્રી જે.આર. શાહ તથા ગોધરાના વિખ્યાત વક્તા શ્રી આતિશભાઇ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આતિશભાઇ ભટ્ટે સરદાર વલ્લભભાઇ પટેલનો ગોધરા સાથેનો ઐતિહાસિક સંબંધ રસપ્રદ રીતે રજૂ કર્યો હતો. આ પહેલથી કેદીઓમાં દેશપ્રેમ, એકતા અને પ્રેરણાત્મક જીવનમૂલ્યો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.
