Western Times News

Gujarati News

અબુધાબીમાં ભારતીય યુવકને અધધધ રૂ.૨૪૦ કરોડની લોટરી લાગી

લોટરીના ૨૩મા લકી ડે ડ્રોમાં તેની ટિકિટના તમામ સાત નંબરો મેચ થયાં

અનિલકુમાર બોલ્લા યુએઈના ઈતિહાસમાં ૧૦ કરોડ દિરહામની લોટરી જીતનાર પ્રથમ વ્યક્તિ બન્યો

અબુધાબી,યુએઈના ઈતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ૧૦ કરોડ દિરહામ (આશરે ૨૪૦ કરોડ)ની અધધધ કહી શકાય તેટલી જંગી રકમની લોટરી લાગતાં જ તેનું ભાગ્ય ખુલી ગયું છે. યુએઈમાં અન્ય હજારો ભારતીયોની જેમ કઠોર પરિશ્રમ અને ખંતથી કામ કરતા અનિલકુમાર બોલ્લા નામના આ યુવકે પોતાની માતાના માનમાં માતાનો જન્મ જે મહિનામાં થયો હતો તે મહિનાના એટલે કે ૧૧મા મહિનાના અંકવાળી લોટરીની ટિકિટ ખરીદી હતી.

દુબઈ સ્થિત એક દૈનિકના જણાવ્યાં અનુસાર, યુએઈના ઇતિહાસમાં ૧૦ કરોડ દિરહામની લોટરી જીતનાર બોલ્લા પ્રથમ વ્યક્તિ છે. આ અંગે માહિતી આપતાં બોલ્લાએ જણાવ્યું હતું કે, તેણે ઈઝી પીક વિકલ્પની મદદથી એક સાથે ૧૨ ટિકિટ ખરીદી હતી જેની દરેકની કિંમત આશરે રૂ.૧,૨૮૫ હતી.લોટરીના ૨૩મા લકી ડે ડ્રોમાં તેની ટિકિટના તમામ સાત નંબરો મેચ થયાં હતાં. આ ડ્રોની ૮૮ લાખ ટિકિટો વેચાઈ હતી એટલે કે ૮૮ લાખમાંથી એક જ ભાગ્યશાળીને આટલી જંગી રકમ જીતવાની તક હતી.

બોલ્લાએ જણાવ્યું હતું કે, તે આ રકમથી તેના માતાપિતાના સપનાં પુરા કરશે, તેમને પોતાની સાથે યુએઈ રહેવા લઈ આવશે. આ ઉપરાંત કેટલીક રકમ જરૂરિયાત ધરાવતા લોકો માટે દાન કરશે.યુએઈ લોટરી ટીમે જ્યારે આ સમાચાર આપવા કોલ કર્યાે ત્યારે તેઓ ઘરમાં આરામ કરી રહ્યા હતાં. પોતે આટલી મોટી રકમ જીત્યા હોવાનું સાંભળીને બોલ્લાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતાં. લોટરી જીત્યાની ખુશીની ઉજવણી તેઓ એક લક્ઝરી રિસોર્ટમાં કરવા માગે છે.આ ઉપરાંત તે પોતાના માટે એક સુપર કાર પણ ખરીદવા માગે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોટરી જીત્યા પછી હવે મને લાગે છે કે મારી પાસે પણ પૈસા છે. હું આટલી મોટી રકમનું યોગ્ય રીતે રોકાણ કરીશ. યુએઈ લોટરીનો આભાર વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આવનારા વર્ષાેમાં તેઓ અન્ય લોકોના જીવનમાં પણ આવો આનંદ રેલાવતા રહેશે.આ લોટરી ડ્રોમાં ભાગ લેનારા અન્ય ૧૦ લોકો પણ એક-એક લાખ દિરહામ( આશરે ૨૪ લાખ) જીત્યા હતાં. યુએઈ લોટરીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ લોકો એક લાખ દિરહામની ઈનામી રકમ જીતી ચૂક્યાં છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.