RTEના આઠ હજાર વિદ્યાર્થીને ઓછી હાજરીને પગલે સહાય નહીં મળે
હાજરી ઓછી હોવાથી ૩ હજાર પ્રમાણે ૨.૪૪ કરોડની સહાય અટકાવાઈ
સહાય મેળવવા માટે નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકની આગળના વર્ષની સ્કૂલની હાજરી ૮૦ ટકા કે એનાથી વધુ હોવી ફરજિયાત
અમદાવાદ , અમદાવાદ શહેરની વિવિધ ખાનગી સ્કૂલોમાં RTE અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી ૮ હજાર જેટલા વિદ્યાર્થીઓને હાજરીના મુદ્દે સહાયથી વંચિત રહેવું પડશે. આ વિદ્યાર્થીઓની વાર્ષિક હાજરી ૮૦ ટકા થતી ન હોવાના પગલે તેમને મળતી સહાયના મળી કુલ રૂ. ૨.૪૪ કરોડ ચુકવવામાં નહીં આવે. સરકાર દ્વારા દરવર્ષે વિદ્યાર્થીઓને સહાય પેટે રૂ. ૩ હજારની ચુકવણી કરતી હોય છે. પરંતુ આ માટે વિદ્યાર્થીની વર્ષ દરમિયાન ૮૦ ટકા હાજરી હોવી જરૂરી છે. હાલમાં અમદાવાદ શહેરમાં RTE અંતર્ગત ૮૮ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ સહિત રાજ્યભરની ખાનગી સ્કૂલોમાં કુલ વિદ્યાર્થી પૈકીના ૨૫ ટકા બેઠકમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ આપવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને સહાય પેટે દર વર્ષે સરકાર દ્વારા રૂ. ૩ હજાર ચુકવવામાં આવે છે. આ સહાય મેળવવા માટે નિયમ મુજબ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલા બાળકની આગળના વર્ષની સ્કૂલની હાજરી ૮૦ ટકા કે એનાથી વધુ હોવી ફરજિયાત છે.
૮૦ ટકા કરતાં ઓછી હાજરી ધરાવતી બાળકોને રૂ. ૩ હજારની સહાય ચુકવવામાં આવતી નથી. ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં કુલ ૮૮૨૪૩ વિદ્યાર્થી પૈકી ૮૧૫૪ વિદ્યાર્થીઓની હાજરી ૮૦ ટકા જેટલી થતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. જેથી આ બાળકોને ચાલુ વર્ષે મળવાપાત્ર કુલ રૂ. ૨.૪૪ કરોડની સહાય અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. નિયમ અનુસાર હાજરી થતી ન હોવાથી આ વિદ્યાર્થીઓને સહાય ચુકવવામાં આવી ન હોવાનું જાણવા મળે છે. જ્યારે આ સિવાયના ૮૦૦૮૯ બાળકોને રૂ. ૨૪.૦૨ કરોડની સહાય તેમના ખાતામાં જમા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. આમ, અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા તેમના તાબાની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વહેલી તકે સહાય મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. SS1
