બોગસ આયુષ્યમાન કાર્ડ કાઢવાનો મામલે ડોક્ટરને 118 દિવસ બાદ જામીન મળ્યા
તબીબ સહિત બેની સમરી રિપોર્ટ કોર્ટે ગ્રાહ્ય રાખ્યો -ડો.શૈલેષ આનંદ અને મિલાપ પટેલ ૧૧૮ દિવસ બાદ જામીન પર મુકત
(એજન્સી)અમદાવાદ, ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બાદગેરકાયદે રીતે આયુષ્યમાન કાર્ડ જારી કરવાના કૌભાંડમાં પીએમએવાયના આરોગ્ય વિભાગના તબીબી અધિકારી ડો. શૈલેષ આનંદ અને ગાંધીનગરની પીએમજેવાય ઓફીસના પ્રોજેકટ ઓપરેટર મિલાપ રમેશભાઈ પટેલ
સામે ક્રાઈમ બ્રાંચને ‘અ’ પડત સમરી ભરીને કોર્ટમાં રજુ કરેલો રીપોર્ટ એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડી.વી.પટેલે મંજુર કર્યો છે. ક્રાઈમ બ્રાંચે બંને સામે કોઈ પુરાવા નહી હોવાથી ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં બીએનએસએસની કલમ ૧૮૯ નો સમરી ભર્યો હતો. આથી ડો.શૈલેષ આનંદ અને મીલાપ પટેલ ૧૧૮ દિવસ બાદ જામીન પર મુકત કર્યા હતા.
પીએમજેવાયના આરોગ્ય વિભાગના તબીબી અધિકારી ડો.શૈલેષ આનંદ અને ગાંધીનગરની પીએમજેવાય ઓફીસના પ્રોજેકટ ઓપેરેટર મીલાપ રમેશભાઈ પટેલની ધરપકડ બાદ બંને આરોપીઓને હાઈકોર્ટે સુધી જામીન મળ્યા ન હતા.
બીજી તરફ તપાસનીશ એજન્સી ક્રાઈમ બ્રાંચે ડો. શૈલેષ આનંદ અને મિલાપ પટેલ વિરૂધ્ધ કોઈ જ પુરાવા મળતા અને તેથી તેઓની સામે કોઈ ગુનો બનતો નથી. સમરી રીપોર્ટમાં એવો ઉલ્લેખ કર્યો હતો કે, ડો. શૈલેષ આનંદ અને મીલાપ પટેલે પોતાના આઈડી મારફતે ૧૯૬૭ જેટલા કાર્ડ એપ્રુવલ-રીજેકટ કર્યા હતા. તમામ કાર્ડની તપાસ કરતા તેમાં ખ્યાતિ હોસ્પિટલનું એક પણ કાર્ડ મળી આવ્યું ન હતું.
બંને આરોપીઓના બેક ખાતાની તપાસ કરતા કોઈ ટ્રાન્જેકશન મળી આવ્યા નથી. ઉપરાંત બંને જણાએ ગુનો કર્યો હોય તેવો કોઈ જ નજરે જોનાર સાક્ષીની જુબાની નથી. આમ બંને જણા સામે ગુનો ન બનતો હોવાની અ સમરી મંજુર કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બંને જણા સામે ‘અ’ પડત સમરી મંજુર કરી છે.
નોધનીય છેકે, ક્રાઈમ બ્રાંચ દ્વારા બોગસ આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં બાકીના આરોપીઓ નિમેષ દીલીપભાઈ ડોડીયા, મોહમંદ ફઝલ મોહમંદસલમ શેખ, મોહમંદ અશરફ મોહમંદ અકરમ શેખ, ઈમરાન જાબીર હુસેન કારીગર, ઈમ્તીયાઝ, કાદરભાઈ હવેજ, નરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહીલ, નિખીલ ઘનશ્યામભાઈ પારેખ અને ચિરાગ હીરાસિંહ રાજપુત કાર્તિક પટેલ વિરૂધ્ધ ચાર્જશીટ દાખલ કર્યું હતું તેથી હવે આ આરોપીઓ સામે કેસ શરૂ કરવામાં આવશે.
