Western Times News

Gujarati News

અભિનેતા સતીશ શાહની પ્રાર્થના સભામાં સોનુ નિગમે ગાયું ગીત

‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’ના કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી

સોનુ નિગમે સતીશ શાહને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘તેરે મેરે સપને’ ગીત ગાયું, જેમાં તેમની પત્ની મધૂએ પણ તેને સાથ આપ્યો

મુંબઈ,અભિનેતા સતીશ શાહનું નિધન ૨૫ ઓક્ટોબરે થતાં સૌ કોઈ ખૂબ જ દુઃખી હતા. તેમના માટે ૨૭ ઓક્ટોબરે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં ટીવી જગતના અનેક કલાકારો હાજર રહ્યા હતા. વળી, સતીશ શાહના લોકપ્રિય શો ‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’ના સહ-અભિનેતાઓ પણ જોવા મળ્યા હતા. ગાયક સોનુ નિગમની હાજરી પણ પ્રાર્થના સભામાં નોંધનીય રહી. આ તમામ લોકોએ ગીત ગાઈને સતીશ શાહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સોનુ નિગમે સતીશ શાહને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘તેરે મેરે સપને’ ગીત ગાયું, જેમાં તેમની પત્ની મધૂએ પણ તેને સાથ આપ્યો.

આ સમયે ત્યાં હાજર સૌ કોઈ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. બધાએ સાથે મળીને સતીશ શાહની જીવન યાત્રાને યાદ કરીને ઉજવણી કરી. જણાવી દઈએ કે સતીશ શાહે આ વર્ષની શરૂઆતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. જેથી તેઓ તેમની પત્ની મધૂની દેખભાળ કરી શકે, કારણ કે સતીશના પત્ની હાલમાં અલ્ઝાઇમર બીમારી સામે ઝઝૂમી રહ્યા છે.પ્રાર્થના સભામાં ‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’ના કલાકારોએ પણ સતીશ શાહને શ્રદ્ધાંજલિ આપી. રૂપાલી ગાંગુલી, સુમીત રાઘવન, રોશેશ કુમાર (રાજેશ કુમાર) અને દેવેન ભોજાણીએ સાથે મળીને ગીત ગાયું. બધા ખૂબ જ ભાવુક દેખાયા હતા. તેમણે સતીશ શાહના અંતિમ સંસ્કાર વખતે પણ ગીત ગાયું હતું.

કલાકારોએ કહ્યું કે તેમણે ગીત એટલા માટે ગાયું, કારણ કે તેઓ જ્યારે પણ સાથે મળતા ત્યારે શોનું ટાઈટલ ટ્રેક ગાતા હતા.સતીશ શાહના મેનેજર રમેશ કડતલાના કહેવા મુજબ, આ ઘટના લંચના સમયે, બપોરે લગભગ ૨ વાગ્યાની આસપાસ બની હતી. ‘સતિશ શાહ જમતા હતા અને એક કોળિયો ખાધા પછી જ નીચે પડી ગયા. લગભગ અડધા કલાક બાદ એમ્બ્યુલન્સ આવી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.’ આ નિધન પર સુમીત રાઘવન અને જે.ડી. મજીઠિયાએ શોક વ્યક્ત કર્યાે હતો અને તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.