દિવાળીમાં GSRTCએ દોડાવી 8 હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોઃ 3.78 લાખથી વધુ મુસાફરોએ લીધો લાભ
પ્રતિકાત્મક
સૌથી વધુ નડીયાદ ખાતેથી ૧,૮૫૧ એક્સ્ટ્રા ટ્રીપો ચલાવી ૬૪,૦૦૦ મુસાફરોએ લાભ લીધો હતો
એસ.ટી. નિગમની દિવાળીના તહેવારોમાં પ્રશંસનીય કામગીરી –સૌથી વધુ નડીયાદ અને સુરત શહેરથી ૩,૧૫૧ ટ્રીપો પૂર્ણ કરીને કુલ ૧.૩૨ લાખથી વધુ મુસાફરો તહેવારના સમયે પોતાના માદરે વતન પહોચ્યા
અમદાવાદ, રાજ્યના નાગરિકો દિવાળીના તહેવારની ઉજવણી પોતાના વતનમાં વધુ સારી રીતે કરી શકે તે માટે એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે સુદ્રઢ યાતાયાત સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના દિશાનિર્દેશ હેઠળ આ વર્ષે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા કુલ ૮,૬૪૮ જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સફળ આયોજન કરીને ૩.૭૮ લાખથી વધુ મુસાફરોને પોતાના વતનમાં સમયસર અને સલામત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એસ.ટી નિગમના તમામ વિભાગ દ્વારા તા.૧૬ થી તા.૨૦ ઓક્ટોબર ૨૦૨૫, દરમિયાન એક્સ્ટ્રા બસોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.
મુસાફરો દિવાળીના તહેવારો પોતાના વતનમાં ઉજવી શકે તે માટે સૌથી વધુ નડીયાદ ખાતેથી ૧,૮૫૧ એક્સ્ટ્રા ટ્રીપો ચલાવી ૬૪,૦૦૦ મુસાફરોએ તથા સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના રત્નકલાકારો તેમજ અન્ય મુસાફરો માટે ૧૩૦૦ ટ્રીપો થકી ૬૮,૦૦૦ મુસાફરોએ મળીને ફકત બે શહેરોથી જ ૩,૧૫૧ ટ્રીપોના માધ્યમથી ૧.૩૨ લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો.
આ ઉપરાંત અમદાવાદ શહેરના વિવિધ ડેપોથી ૬૭૮ ટ્રીપો ચલાવી ૪૨,૦૦૦ મુસાફરોએ, હિમતનગર ખાતેથી ૮૮૦ ટ્રીપોના માધ્યમથી ૪૧,૦૦૦ મુસાફરોએ, જૂનાગઢ ખાતેથી ૮૦૪ ટ્રીપો દ્વારા ૩૩,૦૦૦ મુસાફરોએ, પાલનપુર ખાતેથી ૫૧૯ ટ્રીપો થકી ૩૦,૦૦૦ મુસાફરોએ, મહેસાણામાં ૬૪૫ ટ્રીપોથી ૨૫,૦૦૦ મુસાફરોએ, વડોદરામાં ૪૩૭ ટ્રીપો ચલાવી ૧૭,૦૦૦ મુસાફરોએ,
રાજકોટ ખાતેથી ૩૨૯ ટ્રીપો થકી ૧૬,૦૦૦ મુસાફરોએ, ગોધરા ખાતેથી ૩૫૫ ટ્રીપો દ્વારા ૧૫,૦૦૦ મુસાફરોએ, અમરેલી ખાતેથી ૨૯૭ ટ્રીપોના માધ્યમથી ૧૫,૦૦૦ મુસાફરોએ તેમજ ભાવનગરથી ૩૫૩ ટ્રીપો ચલાવી ૧૨,૦૦૦ મુસાફરોએ એમ કુલ ૧૨ મુખ્ય શહેરોથી ૮ હજારથી વધુ એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરી રાજ્યના ૩.૭૮ લાખથી વધુ મુસાફરોને એસ.ટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોના સમયે રાત-દિવસ બસો ચલાવીને પોતાના ગંતવ્ય સ્થાને સલામત રીતે પહોચાડવામાં આવ્યા છે.
