શિક્ષકે બાઈકને કારથી ટક્કર મારી – 4 કિલોમીટર સુધી ઢસડ્યો
AI Image
મોડાસા–લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના -શિક્ષકની બેદરકારીથી બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
(પ્રતિનિધિ) ગોધરા, મહીસાગર જિલ્લામાં આવેલી મોડાસા–લુણાવાડા રોડ પર રાત્રે બનેલી એક હચમચાવી દેનારી હિટ એન્ડ રન ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ચલાવવામાં આવેલી કારએ બાઈકચાલકને અડફેટે લઈ ભયાનક અકસ્માત સર્જ્યો, જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માત બાદ કારચાલકે બચાવ કરવાની જગ્યાએ બાઈકને પોતાની કારની નીચે ફસાવીને આશરે ચાર થી પાંચ કિલોમીટર સુધી ઢસડીને લઈ ગયો હતો.
મોડી રાત્રે બનેલી આ ઘટનાનો એક અન્ય કારચાલકે વિડિયો બનાવી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. દૃશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કારચાલક અકસ્માત બાદ પણ કાર રોકતો નથી, પરંતુ બાઈકને નીચે ફસાવીને દૂર સુધી લઈ જાય છે. આ દૃશ્યો જોઈ લોકોમાં ભય અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે.
અન્ય વાહનચાલકોએ તરત જ કારનો પીછો કરીને તેને રોકી કારચાલક મનીષ પટેલ અને તેની સાથે બેઠેલા મેહુલ પટેલને પકડીને પોલીસના હવાલે કર્યા હતા. આ દરમિયાન બાઈક પર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડી સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તબીબી સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બંને ઈજાગ્રસ્તોની હાલત હાલ સ્થિર છે.
બાકોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કારચાલક મનીષ પટેલ એક પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ માહિતી બહાર આવતા લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. એક શિક્ષક જે સમાજના ભવિષ્યને ઘડવાનું કામ કરે છે તેના હાથેથી આવી બેદરકારી અને કાયદાનો ભંગ થવો અત્યંત નારાજગીજનક ગણાયો છે.
પોલીસે ઘટનાસ્થળ પરથી દારૂની ખાલી બોટલ પણ મળી આવતાં, દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારવામાં આવ્યું હોવાની શંકા વધુ મજબૂત બની છે. આ અંગે એફ.એસ.એલ. ટીમ અને જિલ્લા ડી.વાય.એસ.પી. સ્થળ પર પહોંચી વિસ્તૃત તપાસ શરૂ કરી છે. કાર અને બાઈક બંનેને જપ્ત કરીને ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાએ સમગ્ર મહીસાગર જિલ્લામાં ચકચાર મચાવી છે. સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે ભરાયેલા પ્રતિસાદ આપી રહ્યા છે કે, શિક્ષક જેવા જવાબદાર પદ પર રહેલા વ્યક્તિઓ જો આ રીતે દારૂ પીધેલી હાલતમાં વાહન હંકારે તો સામાન્ય નાગરિકોની સલામતી કેવી રીતે જળવાઈ રહેશે? કેટલાક લોકોએ માંગણી કરી છે કે આરોપી શિક્ષક સામે સખત કાયદેસર કાર્યવાહી સાથે શૈક્ષણિક તંત્ર તરફથી પણ પગલાં લેવાં જોઈએ.
બાકોર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓ સામે મોટર વ્હીકલ એક્ટ તેમજ ગુનાહિત બેદરકારીના ગુના હેઠળ ફરિયાદ નોંધાઈ છે. સાથે જ બ્લડ ટેસ્ટ માટેના નમૂનાઓ લઈ ફોરેન્સિક તપાસ માટે મોકલાયા છે. તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે.
આ ઘટના માત્ર એક અકસ્માત નહીં પરંતુ જવાબદારીના અભાવ અને દારૂની અસર હેઠળ વાહન ચલાવવાના ખતરનાક પરિણામનું જીવંત ઉદાહરણ હોય શકે છે. અધિકારીઓએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવું માત્ર કાયદેસર ગુનો નથી, પણ અનેક જીવ જોખમમાં મૂકે તેવો અસંવેદનશીલ કૃત્ય છે.
