એપલે ઓપ્પો પર વોચની ટેકનોલોજી ચોરવાનો આરોપ લગાવ્યો
પુરાવા રજૂ કરવા કોર્ટનો આદેશ
આ પહેલાં પણ એપલે ઘણા કેસ દાખલ કર્યા છે, જેમાં પૂર્વ કર્મચારીઓ પર બૌદ્ધિક સંપદાની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે
નવી દિલ્હી, એપલે તેના જ પૂર્વ કર્મચારી ડૉ. ચેન શી અને ચીની સ્માર્ટફોન કંપની ઓપ્પો વિરુદ્ધ કોર્ટમાં કેસ કર્યાે છે. એપલનો આરોપ છે કે ચેન શી એ નોકરી છોડતા પહેલાં એપલ વોચ સંબંધિત ગોપનીય માહિતીની ચોરી કરી અને તેને ઓપ્પો સાથે વહેંચી. આ કેસ અમેરિકાની કેલિફોર્નિયાની એક અદાલતમાં દાખલ કરવામાં આવ્યો છે. ચેન શી એપલ વોચ ટીમમાં સેન્સર સિસ્ટમ આર્કિટેક્ટ તરીકે કામ કરતો હતો. એપલનો આરોપ છે કે જૂનમાં કંપની છોડતા પહેલાં ચેન શી એ ૬૩ ગુપ્ત દસ્તાવેજો ડાઉનલોડ કર્યા હતા.
આ દસ્તાવેજો એપલ વોચની હેલ્થ સેન્સર ટેન્કોલોજી સાથે જોડાયેલા હતા, જે તેને બજારમાં ખાસ બનાવે છે. કંપનીનો દાવો છે કે ચેન શી એ આ બધું તેમના હરીફ ઓપ્પો માટે કર્યું. કેસમાં એક ચેટનો પણ ઉલ્લેખ છે, જેમાં ચેન શીએ ઓપ્પોના એક અધિકારીને લખ્યું હતું, ‘શક્ય હોય એટલી વધુ માહિતી એકઠી કરી રહ્યો છું.’ઓપ્પોએ આ તમામ આરોપોને સદંતર નકારી કાઢ્યા છે.
કંપનીએ કહ્યું છે કે તેમને ચેન શીની કોઈપણ ખોટી હરકતનો કોઈ પુરાવો મળ્યો નથી. ઓપ્પોનું કહેવું છે કે તેઓ બધી કંપનીઓના બિઝનેસ સિક્રેટ્સનું સન્માન કરે છે અને તેમણે એપલના કોઈ પણ રહસ્યનો ખોટો ઉપયોગ કર્યાે નથી. ઓપ્પોએ એ પણ કહ્યું કે તેઓ આ કાનૂની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ કરશે અને તેમને આશા છે કે કોર્ટમાં સત્ય સામે આવશે.
આ પહેલીવાર નથી જ્યારે એપલે તેના કોઈ પૂર્વ કર્મચારી અથવા હરીફ કંપની પર આવા આરોપો લગાવ્યા હોય. આ પહેલાં પણ એપલે ઘણા કેસ દાખલ કર્યા છે, જેમાં પૂર્વ કર્મચારીઓ પર બૌદ્ધિક સંપદાની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. એપલના ઇલેક્ટ્રિક વ્હીકલ પ્રોજેક્ટ પર કામ કરનારા ત્રણ પૂર્વ એન્જિનિયરો પર પણ ચીનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં કેસ ચાલી રહ્યો છે.
