Western Times News

Gujarati News

૨૫ વર્ષ સુધી ખોટા દસ્તાવેજ દ્વારા જુનિયર ક્લાર્કે મેળવ્યું ફેમિલી પેન્શન

ગાંધીનગરમાં જુનિયર ક્લાર્કે સરકાર સાથે ૧૪.૮૯ લાખની કરી છેતરપિંડી -૨૫ વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ગાંધીનગર, ગાંધીનગરના CID ક્રાઇમ ઓફિસરની એક જુનિયર ક્લાર્ક વિરૂદ્ધ બોગસ પ્રમાણપત્રો રજૂ કરી સરકાર સાથે ૧૪.૮૯ લાખની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે.

હકીકતમાં અમદાવાદના મણિનગરની રહેવાસી દક્ષા વ્યાસ નામની મહિલાએ પોતાના પોલીસ કોન્સ્ટેબલ પતિના મૃત્યુ બાદ બીજા લગ્ન કરી લીધા હતા. જોકે, તેણે સરકારથી આ હકીકત સરકારથી છૂપાવી અને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ રાખ્યું હતું. ૨૫ વર્ષ બાદ હવે તેનો ભાંડો ફૂટતા પોલીસે તેની સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કલોલની પેન્શન વિતરણ ઓફિસના ટ્રેઝરી ઓફિસર હાર્દિક પ્રજાપતિએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, દક્ષા વ્યાસના પતિ કાર્તિક વ્યાસ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ૩૦ જુલાઈ, ૧૯૯૩ના દિવસે તેમનું કેન્સરના કારણે મોત થયું હતું.

પતિના મૃત્યુ બાદ તેણે બીજા લગ્ન કર્યા પરંતુ, તેનું પ્રમાણપત્ર સરકારમાં રજૂ ન કર્યું અને ફેમિલી પેન્શન મેળવવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં તપાસ દરમિયાન ખુલાસો થયો કે, તેણે પુનઃલગ્ન કરી લીધા હતા, જે ફેમિલી પેન્શનના નિયમોનું ઉલ્લંઘન છે. દક્ષા વ્યાસે નવેમ્બર, ૧૯૯૫થી લઈને ઓક્ટોબર, ૨૦૨૦ સુધી, એટલે કે, ૨૫ વર્ષથી વધુ સમય માટે દર વર્ષે ખોટા સેલ્ફ ડિક્લેરેશન રજૂ કરવાનું ચાલું રાખ્યું અને ૧૪.૮૯ લાખની રકમ મેળવી હતી.

દક્ષા વ્યાસને તેના પતિના મૃત્યુ બાદ અનુકંપાના ધોરણે CID ક્રાઇમ (રેલ્વે)ના એડિશનલ ડિરેક્ટર જનરલ આૅફ પોલીસની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકેની નોકરી પણ મળી હતી. જોકે, તેના પુનઃલગ્નની માહિતી મળતાં CID ક્રાઇમ ઓફિસ દ્વારા આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ૨૦૨૦માં, આ ઓફિસે પેન્શન વિભાગને લેખિત જાણ કરી, જેના પગલે પેન્શન તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યું અને વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી.

તપાસ પૂર્ણ થયા બાદ ગાંધીનગરથી દક્ષા વ્યાસ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી.આ કાર્યવાહીના આધારે, ટ્રેઝરી ઓફિસર હાર્દિકકુમાર પ્રજાપતિએ કારંજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે કે, વાર્ષિક વેરિફિકેશન થવા છતાં આરોપીએ આટલા વર્ષો સુધી પેન્શન કેવી રીતે મેળવી?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.