દેખાડાની સંસ્કૃતિને ખતમ કરવા આ ૩ ગામની મહિલાઓ સોનાના ૩થી વધુ ઘરેણાં નહીં પહેરે
જૌનસાર-બાબર ક્ષેત્રના આ ગામોએ લીધેલો નિર્ણય દેશના અન્ય ગ્રામીણ સમાજો માટે એક દીવાદાંડી બની શકે છે
દેહરાદૂન,ઉત્તરાખંડના જૌનસાર-બાબર ક્ષેત્રના કંધાર અને ઈન્દ્રોલી ગામની સ્થાનિક પંચાયતોએ સમાજમાં વધી રહેલી આર્થિક અસમાનતા અને દેખાડાની સંસ્કૃતિને ખતમ કરવા માટે એક મહત્વપૂર્ણ અને આકરો નિર્ણય લીધો છે. હવે આ ગામોમાં લગ્ન સમારોહમાં મહિલાઓ ત્રણથી વધુ ઘરેણાં પહેરી શકશે નહીં. સ્થાનિક પંચાયત દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણય પ્રમાણે, લગ્ન સમારોહમાં મહિલાઓ હવે ફક્ત આવશ્યક ઘરેણાં જ પહેરી શકશે, એમાં કાનના ઝુમકા(અથવા બુટ્ટી), નાકની નથણી અને મંગળસૂત્ર સામેલ છે.

આ આવશ્યક ઘરેણાં સિવાય અન્ય અને વધુ ઘરેણાંઓનો દેખાડો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પંચાયતે આ નિર્ણય સમાજમાં વધી રહેલી દેખાડાની હોડ અને સામાજિક હરિફાઈને ઓછી કરવાના ઉદ્દેશ્યથી લીધો છે. સ્થાનિક લોકોનું માનવું છે કે લગ્ન સમારોહમાં પરિવાર ઘણીવાર સામાજિક દબાણને લીધે પોતાની ક્ષમતા કે શક્તિ કરતા વધુ ખર્ચ કરે છે. જેનાથી ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારો પર ભારે આર્થિક ભાર પડે છે. ઈન્દ્રોલી ગામના અત્તરસિંહ ચૌહાને કહ્યું કે, સોનાની કિંમતો ખૂબ વધી ગઈ છે.
સામાન્ય વ્યક્તિ સોનુ ખરીદી શકતો નથી. અમીર વ્યક્તિ તો ખરીદી શકે છે, પરંતુ ગામમાં સામાન્ય અને ગરીબ લોકો રહે છે, એટલે માટે આ લોકો ઘરેણાં બનાવી શકતા નથી. આ લોકો ફક્ત કાનના ઝુમકા, મંગળસૂત્ર અને નથણી જ બનાવી શકે છે, તેનાથી વધુ ઘરેણાં મોટાભાગના લોકો બનાવી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે સૌ આ નિયમથી રાજી છીએ. હવે કોઈ તુલના થશે નહીં કોણે કેટલું સોનુ પહેર્યું છે. તેનાથી લગ્ન સમારોહ સાદગીપૂર્ણ થશે.આ નિર્ણયને ગામની મહિલાઓએ ભરપુર સમર્થન આપ્યું છે. ગામની એક વૃદ્ધ મહિલા ઉમા દેવીએ કહ્યું કે, સોનુ ખૂબ મોંઘુ થઈ ગયું છે. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે અમારા સંતાનોના લગ્નમાં સોનુ ખરીદી શકીએ.
આ નિર્ણય ખૂબ સારો છે. ગામના વડીલો અને પંચાયતના સભ્યોએ સંયુક્તપણે જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ સામાજિક એકતા જાળવી રાખવાનો અને બિનજરુરી ખર્ચા રોકવાનો છે.જૌનસાર-બાબર ક્ષેત્રના આ ગામોએ લીધેલો નિર્ણય દેશના અન્ય ગ્રામીણ સમાજો માટે એક દીવાદાંડી બની શકે છે, જે આજે પણ દેખાડો અને સામાજિક દબાણને કારણે બિનજરુરી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગામોના સમુદાયોનું કહેવુ છે કે આ કોઈ નિયંત્રણ નથી, પરંતુ સામાજિક સુધારાઓ અને સમાનતાની દિશામાં એક નાનકડી પહેલ છે.
