સુરતમાં આશ્ચર્યજનક ઘટના, મૃત દર્દીનું હૃદય ૧૫ મિનિટ પછી ફરી ધબકવા લાગ્યું
“મારી ૩૦ વર્ષની કારકિર્દીમાં આ પહેલી વાર બન્યું છે : ચીફ મેડિકલ ઓફિસર
અંકલેશ્વરના રહેવાસી ૪૫ વર્ષીય રાજેશ પટેલને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા
સુરત,સુરતમાં તબીબી જગત માટે એક ચોકાવનારી ઘટના બની છે. આ ઘટનાએ ડોકટરોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીનું હૃદય સંપૂર્ણપણે ધબકતું બંધ થઈ ગયું હતું. તમામ પ્રયાસો પછી, ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કાર્ડિયાક મોનિટર પર સીધી લાઈન દેખાતી હતી, પરંતુ લગભગ ૧૫ મિનિટ પછી, તેમનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું હતી. આ ઘટના હવે સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બની છે.
અંકલેશ્વરના રહેવાસી ૪૫ વર્ષીય રાજેશ પટેલને ગંભીર હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમને ગંભીર હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું જણાવ્યું હતું. સારવાર દરમિયાન, તેમનું હૃદય અચાનક બંધ થઈ ગયું હતું, અને ECG મોનિટર પર ‘સીધી રેખા’ દેખાઈ હતી. તબીબોની ટીમે CPR અને દવાઓ દ્વારા તેમનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. ત્યારબાદ મેડિકલ ટીમે રાજેશ પટેલને ક્લિનિકલી મૃત જાહેર કર્યા હતા. જોકે, આશ્ચર્યજનક રીતે આ ઘોષણા બાદ લગભગ ૧૫ મિનિટ પછી, કંઈક અણધાર્યું બન્યું હતું.
અચાનક, ECG મોનિટર પર હૃદયના ધબકારા દેખાયા હતા અને દર્દીના શરીરમાં હલનચલન અનુભવાઈ હતી. હાજર ડોકટરોએ તાત્કાલિક રાજેશને ICU માં ખસેડ્યો હતો અને સારવાર શરૂ કરી હતી.સુરત સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડો. ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “મારી ૩૦ વર્ષની કારકિર્દીમાં આ પહેલી વાર બન્યું છે કે, આ રીતે ECG મોનિટર ઉપર સીધી લાઈન ધરાવતા દર્દીના હૃદયના ધબકારા પોતાની મેળે પાછા ફર્યા છે. તબીબી વિજ્ઞાનમાં આ એક અત્યંત ચોંકાવનારી ઘટના છે.” તેમણે ઉમેર્યું હતું કે દર્દીની સ્થિતિ ગંભીર છે અને તેને ICU માં નજીકથી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.દર્દીનો પરિવાર આ ઘટનાને “દૈવી ચમત્કાર” માની રહ્યો છે.
રાજેશ પટેલના ભાઈ મેલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, “અમે પ્રત્યક્ષ જોયું હતું કે જ્યારે ડોકટરો બીજા દર્દીની સારવાર કરી રહ્યા હતા, ત્યારે મારા ભાઈના હૃદયના ધબકારા અચાનક ફરી શરૂ થયા હતા. જ્યારે ડોકટરોએ તેની તપાસ કરી, ત્યારે તેમને જાણવા મળ્યું કે તે જીવિત છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી.” હોસ્પિટલના સૂત્રો અનુસાર, દર્દીની હાલની સ્થિતિ સ્થિર છે, પરંતુ આગામી થોડા દિવસો તેના માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઘટનાએ માત્ર ડોક્ટરોને જ નહીં સામાન્ય લોકોને પણ ચોંકાવ્યા છે.
