માવઠાના કારણે ગિરનારની લીલી પરિક્રમા પર ‘સંકટના વાદળ’
હજુ બે દિવસ વરસાદની આગાહી
જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પહેલ ૨૦ જવાનોની SDRF ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે
જૂનાગઢ,ગિરનારની લીલી પરિક્રમા કરવી કે નહીં તેને લઈને સરકાર અને તંત્ર મૂંઝવણમાં છે. હજુ બે દિવસ વરસાદની આગાહી છે એવામાં તંત્ર ગડમથલમાં મૂકાઈ ગયું છે. પરિક્રમા રૂટનો રસ્તો ધોવાઈ ગયો છે. એવામાં વરસાદ બંધ થાય પછી રિપેરિંગની કામગીરી શરૂ થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે ૩૧ ઓકટોબર સુધી કોઈ પરિક્રમા રૂટ પર આવે નહીં.
કમોસમી વરસાદના કારણે ગુજરાતમાં અનેક પરંપરાઓ વેરવિખેર થઈ રહી છે. ગિરનારની લીલી પરિક્રમા રૂટ પર લાઈટ, પાણી અને આરોગ્ય સહિતની વ્યવસ્થા કરવાની હજુ બાકી છે ત્યાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તંત્રએ નિર્દેશ આપ્યા છે કે વનવિભાગ, SP તથા કલેક્ટર જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન કરે ત્યાં સુધી કોઈ પરિક્રમાર્થીએ આવવું નહીં. ભારે વરસાદ પડે તો શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈને પણ પ્રશ્ન ઊભો થાય. આ સિવાય તંત્રએ અન્નક્ષેત્રોને પણ ૩૧ ઓક્ટોબર સીધી કોઈ પણ વાહનો ન લાવવા અપીલ કરી છે.
કલેક્ટર, DSF અને SPએ જણાવ્યું હતું કે જો પરિક્રમા શરૂ કરવામાં આવે તો પણ વડીલો, બાળકો, બીમાર અને અશક્ત લોકો પરિક્રમામાં આવવાનું સ્વેચ્છાએ ટાળે તે હિતાવહ છે. જૂનાગઢમાં ભારે વરસાદની આગાહીના પહેલ ૨૦ જવાનોની SDRF ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
