Western Times News

Gujarati News

APMCમાં લાભપાંચમ બાદ મગ-એરંડાની ધીમી ગતિએ આવક શરૂ

પ્રતિકાત્મક

માલ લાવતી વખતે તાડપત્રી બાંધવા તેમજ બને ત્યાં સુધી વાતાવરણ ચોખ્ખું થાય ત્યારબાદ જ માલ લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છે

ભુજ, હવામાન વિભાગ દ્વારા ૧ નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને ભુજ એપીએમસી દ્વારા ખેડૂતો તેમજ વેપારીઓને પણ તેમનો માલ પલળે નહીં તે માટે તકેદારીના પગલા લેવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.

ખાસ કરીને એપીએમસીમાં બહાર પડેલા માલને શેડની નીચે અથવા તો ગોડાઉનમાં મુકવામાં આવી રહ્યો છે તો માલ લાવતી વખતે તાડપત્રી બાંધવા તેમજ બને ત્યાં સુધી વાતાવરણ ચોખ્ખું થાય ત્યારબાદ જ માલ લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવી છે.

લાભ પાંચમ બાદ મગ અને એરંડાની ધીમીગતિએ આવક ચાલુ થઈ ગઈ છે. આ બાબતે વધુ માહિતી આપતાં એપીએમસીના આસિસ્ટન્ટ સેક્રેટરી સમિર ગોરે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા આગામી ૧ નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે,

ત્યારે ભુજ એપીએમસી દ્વારા હવામાનની આગાહીને પગલે સાવચેતીનાં પગલાં પણ લેવામાં આવ્યા છે. જેમાં ખેડૂતો, વેપારીઓને જાણ કરી દેવામાં આવી છે કે તેમનો માલ બગડે નહીં, ખરાબ ન થાય તે માટે માલને શેડની અંદર મુકવામાં આવે અથવા તો પોતાના ગોડાઉનમાં મુકવામાં આવે. જ્યારે ખેડૂતોને પણ તેમનો માલ એપીએમસી સીધો લાવે ત્યારે તેને ઢાંકીને લાવે અને સુરક્ષીત જગ્યા ઉપર જ માલને ઉતારે.

વધુમાં તેમણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતાની સાથે જ એપીએમસીમાં બહાર પડેલો તમામ માલને શેડ અને ગોડઉનમાં રખાવી દેવામાં આવ્યો હતો, જેના કારણે વરસાદમાં પલળે નહીં અને માલ ખરાબ ન થાય.

ખેડૂતોને પણ જાણ કરવામાં આવે છે કે જ્યાં સુધી વાતાવરણ બરોબર ન થાય ત્યાં સુધી ખેડૂતો પોતાનો માલ તકેદારીના ભાગરૂપે ઢાંકીને જ લાવે અથવા તો વાતાવરણ જ્યાં સુધી ચોખ્ખું થઈ જાય ત્યારબાદ પોતાનો માલ લાવે તો માલને નુકસાન ન થાય, બગાડ ન થાય.

લાભપાંચમથી જ સીઝનની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે ભુજ એપીએમસીમાં હાલે મગ અને એરંડાની ધીમીગતિએ આવક ચાલુ થઈ છે. જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવનાર હતી, પરંતુ વાતાવરણને અનુલક્ષીને હાલે તેમણે ૧ નવેમ્બર બાદ જ ખરીદીની શરૂઆત કરવા માટેનું આયોજન ગોઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવામાન વિભાગ દ્વારા મુખ્યત્વે ૧૦ ઓક્ટોબરથી લઈને ૧ નવેમ્બર સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત કચ્છમાં પણ છેલ્લા ચારેક દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઝરમર વરસાદ અવિરતપણે વરસી રહ્યો હોય રસ્તાઓ પણ ભીના જોવા મળી રહ્યા છે તો પવનની ગતિ પણ વધતા ઠંડકની પણ લોકોને અનુભૂતિ થઇ રહી છે, ત્યારે વરસાદી માહોલમાં ખેડૂતોનો માલ પલળે નહીં તે માટે એપીએમસી પહેલાથી જ સતર્ક બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.