સ્ટીલના વાસણમાં સૂતળી બોમ્બ ફોડતાં પંદર વર્ષનો ગોધરાનો કિશોર થયો ઘાયલ
સમાજ માટે દાખલારૂપ ઘટના
દારૂખાનું ફોડતાં વાસણનો ટૂકડો કિશોરના નાક અને આંખમાં ઘૂસી ગયોઃ હોસ્પિટલમાં ઓપરેશન કરીને બાળકનો જીવ બચાવ્યો
વડોદરા,દિવાળીના તહેવાર દરમિયાન દારૂખાનું ફોડતી વેળાએ અજમાવવામાં આવતાં અવનવા તુક્કા ક્યારેક ભારે પડી જતા હોવાના મામલાઓ બહાર આવતા હોય છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ૧૫ વર્ષના એક કિશોરે સૂતળી બોમ્બ સ્ટીલના વાસણમાં મૂકીને ફોડતાં વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને કિશોરને ગંભીર રીતે ઘાયલ કરી ગયો હતો.
આ કિશોરને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તબીબોએ ભારે જહેમત ઉઠાવીને કિશોરના નાક અને આંખમાં ઘૂસી ગયેલા વાસણના ટૂકડાને બહાર કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર, ૧૫ વર્ષના ગોધરા નિવાસી બાળક અનિલ રાઠવા (નામ બદલવામાં આવ્યું છે) તા. ૨૮/૧૦/૨૫ના રોજ સાંજના સમયે ઘર આંગણે ફટાકડા (સૂતળી બોમ્બ) ફોડતી વખતે સ્ટીલના વાસણમાં મૂકીને સૂતળી બોમ્બ ફોડતો હતો. આ દરમિયાન અચાનક વાસણનો એક ધારદાર ટૂકડો ઉડીને સીધો તેના નાક અને આંખના ભાગમાં ઘૂસી ગયો હતો, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
તેના પરિવારજનો એને પહેલાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એસ.એસ.જી. (સયાજી હોસ્પિટલ) માં રિફર કરવામાં આવ્યો હતો.સયાજી હોસ્પિટલમાં કાન, નાક અને ગળાંના વિભાગની ટીમે સીટી સ્કેન કરાવી ટૂકડાની સ્થિતિ જાણી હતી. ટૂકડો નાકને ચીરીને સાયનસને નુકસાન પહોંચાડી આંખ સુધી પહોંચી ગયો હતો. સદ્ભાગ્યે આંખ બચી ગઈ હતી.
ઇ.એન.ટી. અને એનેસ્થિસિયા ટીમે તાત્કાલિક રાત્રિના સમયે જ મહા મહેનતે ઓપરેશન કરીને સફળતાપૂર્વક ટૂકડો કાઢીને બાળકનો જીવ બચાવ્યો હતો. હાલમાં બાળકની સ્થિતિ સુધારા પર હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતું. આવી ઘટનાઓ સમાજ માટે દાખલારૂપ છે કે બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે મોટાઓની દેખરેખ હેઠળ ફોડવા જોઈએ તેમ તબીબોએ ઉમેર્યું હતું.
