બાળક ગેરકાનૂની કસ્ટડીમાં ન હોય તો હેબિયસ કાર્પસ અરજીનો સહારો લઈ કસ્ટડી માગી શકાય નહીં
પત્ની ૫ વર્ષના બાળકને લઈને પુરુષ મિત્ર સાથે રહેવા જતાં પતિની રિટ
બાળક ગેરકાનૂની કસ્ટડીમાં નહીં હોવાથી હેબિયસ કાર્પસ અરજીનો સહારો લઈને, તેની કસ્ટડી માગી શકાય નહીં
૫ વર્ષનો બાળક તેની માતા સાથે હોવાથી ગેરકાનૂની કસ્ટડીમાં નથી : હાઇકોર્ટ
અમદાવાદ,પોતાના પાંચ વર્ષના બાળકને પરત લેવા પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કાર્પસ અરજી દાખલ કરી છે. જે મુજબ તેની પત્નીનો પ્રેમી તેના પાંચ વર્ષના પુત્રને લઈ ગયો છે. તેનું જન્મ પ્રમાણપત્ર કોર્ટ સમક્ષ રજૂ કરાયું હતું. અરજી મુજબ, અરજદાર પિતાનો પાંચ વર્ષનો પુત્ર તેની પત્નીના પ્રેમીના કબજામાં છે. અરજદાર જ્યારે બહારગામથી ઘરે આવ્યા ત્યારે તેની પત્ની અને પુત્ર ગાયબ હતા. તેને સંબંધીઓથી જાણવા મળ્યું કે, તેની પત્ની તેના પ્રેમી સાથે પુત્રને લઈને ચાલી ગઈ છે, તેમની ભાળ મળતી નથી.
અરજદારના પુત્ર પાસે કેનેડિયન પાસપોર્ટ છે. તેને શંકા છે કે, પત્નીનો પ્રેમી બંનેને વિદેશ લઈને ચાલ્યો જશે. જોકે, બાળક તેની માતા સાથે હોવાથી હાઈકોર્ટે ગેરકાનૂની કસ્ટડીમાં ન હોવાનું કહ્યું છે. આ કેસમાં સામે આવ્યું છે કે, પત્નીનો ૧૭ દિવસથી સંપર્ક થઈ શક્યો નથી. આ અંગે ગાયબ થયાની અરજી બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. પતિ-પત્ની બંનેના લગ્ન પણ બરાબર ચાલતા હતા. દીકરો અને પત્નીના ગાયબ થયા બાદ પત્નીના પિયરિયા પણ યોગ્ય જવાબ આપતા નથી.
હાઇકોર્ટે બોડકદેવ પોલીસે કરેલી તપાસનો સ્ટેટ્સ રિપોર્ટ માગ્યો હતો. જેમાં આજે વધુ સુનાવણીમાં કોર્ટને જણાવાયું હતું કે, પોલીસ તપાસમાં અરજદારની પત્નીએ પોલીસને જણાવ્યું હતું કે બાળક તેની સાથે છે. પત્ની જાતે પતિનું ઘર છોડીને પોતાની મરજીથી બાળકને લઈને પુરુષ મિત્ર સાથે રહેવા ગઈ છે. તેઓ અમદાવાદ એરપોર્ટથી દિલ્હી, સિક્કિમ અને બાદમાં ગાંધીનગર ગયા હતા. અરજદાર પિતાએ કહ્યું હતું કે, તેનું પુત્ર સાથે ક્લોઝ બોન્ડિંગ છે.
જેથી હાઇકોર્ટે કહ્યું હતું કે, આ અરજી ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટ કરાઈ છે. જો અરજદારે પોતાના પુત્રની કસ્ટડી મેળવવી હોય તો તેના માટે બીજી ન્યાયિક પ્રક્રિયાઓ ઉપલબ્ધ છે. બાળક તેની કુદરતી માતાની કસ્ટડીમાં છે, તેને ગોંધી રખાયેલું કહી શકાય નહીં. આમ, બાળક ગેરકાનૂની કસ્ટડીમાં નહીં હોવાથી હેબિયસ કાર્પસ અરજીનો સહારો લઈને, તેની કસ્ટડી માગી શકાય નહીં. અરજદાર તેની પત્નીના સંબંધો અને એ ક્યાં રહી હતી તે બધું જ જાણે છે. અરજદારની પત્ની તેના પુત્રની કુદરતી માતા છે. બાળકને કોઈએ ગેરકાનૂની ગોંધી રાખ્યો નથી. આ પરિવારમાં પતિ અને પત્નીના અહમનો મુદ્દો છે. પતિ અને પત્ની બધું જ જાણે છે.
