Western Times News

Gujarati News

‘રામાયણનો એક પૈસો નથી જોઈતો, હું તેની આવક દાન કરીશ’ : વિવેક

વિવેકે રામાયણને હોલિવૂડની માઇથોલોજિકલ ફિલ્મનો જવાબ ગણાવી

આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઇ પલ્લવી માતા સીતા અને સન્ની દેઓલ હનુમાનજીના રોલમાં જોવા મળશે

મુંબઈ,રણબીર કપૂર અને યશની બે ભાગમાં બની રહેલી ‘રામાયણ’ની જાહેરાત થઈ તે પહેલાંથી આ ફિલ્મ ચર્ચામાં છે. વિવેક ઓબેરોય પણ આ ફિલ્મનો ભાગ છે અને તે આ ફિલ્મમાં વિદ્યુત જીવાનો રોલ કરી રહ્યો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે આ ફિલ્મ અને તેના અનુભવો વિશે વાત કરી હતી. તેણે આ ફિલ્મને હોલિવૂડની માઇથોલોજિકલ ફિલ્મનો જવાબ ગણાવી હતી. સાથે જ તેણે ‘મસ્તી ૪’ની પણ વાત કરી હતી.

વિવેકે કહ્યું, “નમિત (નમિત મલ્હાત્રા – પ્રોડ્યુસર)અને નિતેશ રામાયણના માધ્યમથી જે કરી રહ્યા છે, તેનાથી તેઓ ખરા અર્થમાં ભારતીય સિનેમાને વિશ્વ સ્તરે પહોંચાડી દેશે. વિદેશની માઇથોલોજિકલ ફિલ્મને રામાયણ એ ભારતનો જવાબ હશે. તેઓ જે વીએફએક્સ કંપની સાથે જોડાયેલા છે, તે આ પહેલાં સાતથી આઠ ઓસ્કાર જીતી ચૂકી છે અને આ પ્રકારના ઘણા યાદગાર અને લોકપ્રિય કામ કરી ચુકી છે, તેનાથી પણ આ ફિલ્મને મદદ મળશે. ખરેખર ભારતીય મૂળ ધરાવતા મહાકાવ્યને વૈશ્વિક સ્તરે લઈ જવા માટે રામાયણ કરતાં મોટું અને સારું કંઈ ન હોઈ શકે અને આ ખરેખર રોમાંચક વાત છે.”

વિવેકે આ ફિલ્મની ફી સારા કામમાં ઉપયોગમાં લેવાનો નિર્ણય લીધો છે. તેણે જણાવ્યુ, “મેં નમિતને કહ્યું કે મારે આ ફિલ્મનો એક પૈસો પણ જોઈતો નથી, હું આ રકમ હું માનું છું એવા કોઈ ઉમદા કામમાં દાનમાં આપી દેવા માગું છું જેમકે, કેન્સર પીડિત બાળકો માટે. મેં તેને કહ્યું કે હું તને મદદ કરવા માગુ છું કારણ કે તમે જે કરો છો તે મને બહુ ગમે છે અને મને લાગે છે કે તમે ભારતીય સિનેમાને વિશ્વસ્તરે લઇ જાઓ છો.”વિવેકે કહ્યું કે આ ફિલ્મ માટે તેનું મોટા ભાગનું થોડું જ શૂટ બાકી છે.

તેણે જણાવ્યું, “એક લડાઈ હંમેશા રહે છે કે રામાયણ દંતકથા છે કે ઇતિહાસ, આપણે માનીએ છીએ કે એ ઐતિહાસિક છે અને તેના પર કામ કરવાની બહુ જ મજા આવી. હું બહુ ખુશ હતો અને સમગ્ર ક્‰, નમિત, નિતેશ, યશ, રકુલપ્રીત બધાં સાથે કામ કરવાની બહુ મજા આવી. મારા હજુ થોડા દિવસો બાકી છે.”આ ફિલ્મ રામાયણ પાર્ટ ૧માં વિવોકનો રોલ વિદ્યુતજીવાનો રહેશે. તેની જોડી રકુલપ્રીત સાથે છે અને તે યુદ્ધમાં યશ એટલે કે રાવણ સામે લડતો જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઇ પલ્લવી માતા સીતા અને સન્ની દેઓલ હનુમાનજીના રોલમાં જોવા મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.