‘ઉંમર વધવી એ અદભૂત છે, હવે ૩૦થી મોટી એક્ટ્રેસને પણ મહત્વના રોલ મળે છે’ : તમન્ના
તમન્નાએ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા પરિવર્તન વિશે વાત કરી
હવે તમન્ના શાહિદ કપૂર સાથે વિશાલ ભારદ્વાજની એક્શન થ્રિલર ઓ રોમિયોમાં જોવા મળશે, તેમાં તૃપ્તિ ડિમરી પણ છે
મુંબઈ, એક્ટર તમન્ના ભાટીયાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી રહેલા હકારાત્મક પરિવર્તનની વાત કરી છે. તેણે કહ્યું કે ૩૦ વર્ષથી મોટી એક્ટ્રેસ માટે ઇન્ડસ્ટ્રીની માનસિકતામાં હવે ફરક પડ્યો છે. તેણે કહ્યું કે ઉમર અને અનુભવને હવે મોટા પડદા પર ઉજવવામાં આવે છે.તમન્નાએ આ ઇન્ટરવ્યુમાં વાત કરી કે, તે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે તેણે ૧૦ વર્ષનો પ્લાન બનાવ્યો હતો.
આજની હિરોઇનને મળતા અર્થસભર રોલ વિશે તમન્નાએ કહ્યું, “હા બિલકુલ, આજે આ ઉમરની એક્ટ્રેસ માટે વધુ મોટા, સારી રીતે લખાતા રોલ મળે છે. આપણે પહેલાં આ ઉમરની એક્ટ્રેસને બહુ પડદા પર બતાવતા નહોતા. ખરેખર તો, હું જ્યારે એક્ટર બની, ત્યારે મેં ખરેખર ૧૦ વર્ષનો જ પ્લાન બનાવ્યો હતો. મેં વિચારેલું, હું અત્યારે કામ કરવાનું શરુ કરું છું તો હું ૩૦ વર્ષની ઉમરે પહોંચીશ ત્યાં સુધી કામ કરી શકીશ. તેના પછી, હું લગ્ન કરી લઇશ અને મારે બાળકો હશે.”
તમન્નાએ આગળ કહ્યું, “પરંતુ સારી વાત એ છે કે, જ્યારે હું કામ કરી રહી હતી અને હું ૩૦ વર્ષની ઉંમરે પહોંચવા આવી, ખરેખર તો ત્યારે હું થોડી સ્વતંત્ર થઈ, સદ્દનસીબે, એ વખતે ઇન્ડસ્ટ્રીમાં પણ સારા રોલ લખાવાના શરૂ ખયા. મને લાગે છે આ એક સામાન્ય પરિવર્તન છે, જે સમગ્ર વિશ્વમાં આવ્યું છે. જોકે, મને આ ઉંમરના ડર વિશે કંઈ ખબર નથી. ઘણા લોકો વધતી ઉંમર વિશે એ રીતે વાત કરે છે કે જાણે કોઈ બીમારી વિશે વાત કરતાં હોય, ઉંમર વધવી એ તો અદ્દભુત વાત છે. ખબર નહીં કેમ લોકો વધતી ઉંમર અંગે આટલા ડરતાં હશે.”હવે તમન્ના શાહિદ કપૂર સાથે વિશાલ ભારદ્વાજની એક્શન થ્રિલર ઓ રોમિયોમાં જોવા મળશે, તેમાં તૃપ્તિ ડિમરી પણ છે.
આ સાથે તે સિદ્ધાર્થ મલ્હાત્રા સાથે વીવાન – ફોર્સ ઓફ ધ ફોરેસ્ટમાં પણ રામ કરી રહી છે, આ એક માઇથોલોજિકલ થ્રિલર ફિલ્મ છે, જે બાલાજી ટેલિફિલ્મ્સ અને ટીવીએફ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મ મે-જૂન ૨૦૨૬માં રિલીઝ થાય એવી શક્યતા છે. આ ઉપરાંત તમન્ના રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સમાં રાકેશ મારિયાની બાયોપિકમાં તેમની પત્નીનો રોલ કરશે. તે અનીસ બાઝમીની નો એન્ટ્રી ૨માં વરુણ ધવન સાથે લીડ રોલમાં જોવા મળે એવી પણ શક્યતા છે.
