પોણા ચાર કલાકની નવી ‘બાહુબલી’, ફિલ્મના બંને ભાગ એક સાથે આવશે
આ ફિલ્મની કુલ લંબાઈ ૩ કલાક ૪૫ મિનિટ અને ૪૪ સેકન્ડ હશે
રિલીઝ કરવાનો પહેલો પ્રયોગ : ફિલ્મનો પહેલો ભાગ ૧ કલાક ૪૨ મિનિટ અને બીજો ભાગ ૨ કલાકનો
મુંબઈ, આ શુક્રવારે ‘બાહુબલીઃ ધ એપિક’ રિલીઝ થઈ રહી છે, જેમાં બાહુબલી સિરીઝની બંને ફિલ્મ એકસાથે લાવવામાં આવી રહી છે. જેમાં ૨૦૧૫માં આવેલી ‘બાહુબલીઃ ધ બિગિનિંગ’ અને ૨૦૧૭માં આવેલી ‘બાહુબલી ૨ -ધ કન્ક્લ્યુઝન’ને એક જ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. પહેલી બાહુબલી ફિલ્મ રિલીઝ થઈ તેની દસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ રીતે કોઈ બે ફિલ્મ એકસાથે રિલીઝ થતી હોય એવી દુનિયાની કદાચ આ એકમાત્ર ઘટના છે. કેટલાક ફિલ્મ દર્શકો અને ઇન્ડસ્ટ્રીના લોકોએ આ અંગે શંકા પણ વ્યક્ત કરી હતી કે લોકો થિએટરમાં જઇને ફરી આ ફિલ્મ જોશે કે નહીં કારણ કે તે લોકોએ આ ફિલ્મ અત્યાર સુધીમાં એકથી વધુ વખત જોઈ લીધી છે.
જોકે, આ શંકાઓ અને ડરને જવાબ મળી ગયો છે. કારણ કે સાઉથ અને વિદેશોમાં પણ આ ફિલ્મના એડવાન્સ બૂકિંગ પણ થઈ ગયા છે, ખાસ તો તેલુગુ ઓડિયન્સનો આ ફિલ્મને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.હાલ એવી ચર્ચા છે કે આ એક ફિલ્મની લંબાઈ ૩ કલાક અને ૪૫ મિનિટ છે. એવા અહેવાલ છે કે, તેમાંથી સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, “બાહુબલીઃધ એપિકનો ઇન્ટરવલ પહેલાનો ભાગ ૧ કલાક ૪૨ મિનિટ ૩૩ સેકન્ડ લાંબો છે, જ્યારે બીજો ભાગ બે કલાકથી પણ લાંબો છે, તેથી ફિલ્મના ઇન્ટરવલ પછીના ભાગની લંબાઈ ૨ કલાક ૩ મિનિટ અને ૧૧ સેકન્ડ છે. આમ આ ફિલ્મની કુલ લંબાઈ ૩ કલાક ૪૫ મિનિટ અને ૪૪ સેકન્ડ છે.”
મહત્વની અને ચર્ચાની વાત એ છે કે આ પહેલાં જ્યારે આ પ્રકારની કોઈ લાંબી ફિલ્મ રિલીઝ થઈ છે, ત્યારે ફિલ્મમાં વચ્ચે એક નહીં પણ બે ઇન્ટરવલ આવતા હતા. જુના જમાનાના લોકો આજે પણ યાદ કરે છે કે રાજ કપૂરની ૧૯૬૪માં આવેલી સંગમ ૨૩૮ મિનિટ લાંબી એટલે કે ૩ કલાક અને ૫૮ મિનિટ લાંબી ફિલ્મ હતી, તેમાં બે ઇન્ટરવલ હતા. આ જ રીતે ૧૯૭૦માં આવેલી મેરા નામ જોકર ૨૫૫ મિનિટની એટલે કે ૪ કલાક અને ૧૫ મિનિટ લાંબી ફિલ્મ હતી, તેમાં પણ બે ઇન્ટરવલ હતા. જો થોડાં વર્ષાે પહેલાંની વાત કરવામાં આવે તો ૧૯૯૪માં આવેલી હમ આપકે હૈ કૌનમાં લાંબી ફિલ્મ રિલીઝ કરવામાં આવી પછી બે ઇન્ટરવલ આપવામાં આવ્યા હતા.
પરંતુ સમયાંતરે ફિલ્મ પણ અંગ્રેજી ફિલ્મની જેમ બે કે અઢી કલાકની થતી ગઈ અને બે ઇન્ટરવલનો પ્રકાર બંધ થતો ગયો. ત્યાર પછી ૨૦૦૦માં ૨૧૫ મિનિટની મબોબ્બતેં આવી, ૨૦૦૧માં ૨૧૦ મિનિટની કભી ખુશી કભી ગમ આવી, ૨૦૨૩માં ૨૦૩ મિનિટની એનિમલ આવી, ૨૦૨૫માં ૨૦૪ મિનિટની ધ બેંગાલ ફાઇલ્સ આવી, આ બધી જ ફિલ્મમાં એક જ ઇન્ટરવલ હતો. જો બાહુબલીની જ બંને અલગ ફિલ્મની વાત કરવામાં આવે તો બાહુબલીઃધ બિગિનિંગની લંબાઈ ૧૫૯ મિનિટ હતી અને બાહુબલી ૨-ધ કન્ક્લ્યુઝનની લંબાઈ ૧૬૭ મિનિટ હતી.
જો આ જ પ્રકારે બંને ફિલ્મને જોડી દેવામાં આવી હોત તો આ ફિલ્મ કુલ ૩૨૬૫ મિનિટ લાંબી એટલે કે, ૫ કલાક અને ૨૬ મિનિટની ફિલ્મ બની હોત. પરંતુ બાહુબલીઃ ધ એપિક માત્ર ૨૫૫ મિનિટ લાંબી છે એટલે કે તેને ૧૦૧ મિનિટ ટૂંકી બનાવી દેવાઈ છે. તો હવે એ જોવાનું રહેશે કે, આ ફિલ્મ એડિટ થયા પછી જોવાની કેટલી મજા આવશે, કયા સીન નીકળ્યા અને કયા સીન રહ્યા છે. મેકર્સનો દાવો છે કે તેમણે બલે બંને ફિલ્મની ૧૦૦ મિનિટ કાપી નાખી પણ તેનાથી ફિલ્મની ભવ્યતા, લાગણીઓ કે પ્રવાહમાં કોઈ ફેર પડ્યો નથી. આ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા યૂએ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.
