કમોસમી વરસાદને કારણે સાગરખેડૂઓને આર્થિક ફટકો: માછલીઓ ફેંકી દેવી પડી
પ્રતિકાત્મક
સૂકવવા મુકેલી તૈયાર મચ્છીઓ બગડી જતા દરિયામાં ફેંકવાની ફરજ પડી
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે સાથે સાગરખેડૂઓ (માછીમારો)ને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ અણધાર્યા વરસાદથી માછીમારોને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું હોવાના અહેવાલ છે.
વરસાદના કારણે માછીમારોએ સૂકવવા મૂકેલી તૈયાર માછલીઓ સંપૂર્ણપણે પલળી ગઈ હતી, જેને પગલે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોન્થા વાવાઝોડાને કારણે અચાનક વરસાદ શરૂ થતાં, માછીમારોને સૂકવેલી માછલીઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનો પૂરતો સમય પણ મળ્યો ન હતો.
માછીમારોએ જણાવ્યું કે, “અચાનક વરસાદ આવવાથી લાખો રૂપિયાનો માલ બગડી ગયો છે.” લાખો રૂપિયાનું નુકસાન થતાં માછીમારોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક આર્થિક સહાયની માગણી કરી છે.
આ સાથે માછીમારોએ વસવસો વ્યક્ત કર્યો હતો. જાફરાબાદ બંદરમાં બોમ્બે ડગ (બુમલા) મચ્છીની વધારે પ્રમાણમાં આવક રહે છે. આ મચ્છીને દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરવા આવતા હોય છે.
આ મચ્છીને સૂકવીને વેચવી પડતી હોય જે મચ્છી સિઝનની શરૂઆતથી અત્યાર સુધીમાં વરસાદમાં અનેકવાર પલળી ગઈ અને તેને દરિયામાં ફેંકવી પડી હતી ત્યારે ફરીથી છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલ કમોસમી માવઠાએ માછીમારોની કમર તોડી નાખી છે. મોંઘા ભાવનું ડીઝલ સાથે ખલાસીઓનો પગાર પણ બમણો ચૂકવવો પડી રહ્યો છે ત્યારે કુદરતે પણ વારંવાર માછીમારો ઉપર આફતરૂપી વરસાદ વરસાવતા માછીમારોને મોટાપાયે નુકસાન થયું છે.
