Western Times News

Gujarati News

ગુજરાતમાં હજુ ૨ દિવસ ભારે વરસાદ પડશે, ૧૩ જિલ્લામાં યલો ઍલર્ટ

File Photo

(એજન્સી) ગાંધીનગર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે ૩૦ ઓક્ટોબરે રાજ્યના ૧૫૮ થી વધુ તાલુકામાં વરસાદ ખાબક્યો છે.

જેમાં ભાવનગરના મહુવામાં ૩ ઇંચથી વધુ વરસાદ થયો છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આવતીકાલે ૩૧ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૩ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શુક્રવારે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આગામી ૧ નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે. જ્યારે આગામી ૫ નવેમ્બર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ પવન અને મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા રહેલી છે તો બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ૨ નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

નવેમ્બરના બીજા સપ્તાહમાં અતિભારે વરસાદ વરસી શકે છે, બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા છે જેના કારણે વરસાદ વરસી શકે છે, ડિસેમ્બરની શરુઆતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે અને ૨૭ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે સાથે સાથે ઉત્તરાયણ બાદ ઠંડા પવનો હાડ થીજવશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અને નદીઓમાં પૂર પણ આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.