વરસતા વરસાદમાં ખેડૂતો, મહિલાઓ અને બાળકો કયા કારણસર બેસી રહ્યા
 
        સભા મંડપ ખીચોખીચ ભરાઈ ગયા બાદ મંચસ્થ વક્તાઓએ શરૂઆતમાં તેજાબી ભાષામાં સંબોધન શરૂ કર્યું ત્યારે ખાસ કરીને મહિલાઓએ હાથ ઉંચા કરીને હૂડા હટાવોને સમર્થન જાહેર કર્યું હતુ.
હિંમતનગરમાં હૂડા હટાવોના નેજા હેઠળ ખેડૂત મહા સંમેલન યોજાયું
(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગરની આસપાસ આવેલા ૧૧ ગામોની કેટલીક જમીન હૂડામાં કપાત થઈ રહી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી અમારે વિકાસ જોઈતો નથી, હૂડા રદ કરો તેવા રોષ સાથે છેલ્લા કેટલાક સમયથી ૧૧ ગામોમાં અનેક કાર્યક્રમ યોજાયા હતા ત્યારે ગુરૂવારે હૂડા સંકલન સમિતીના નેજા હેઠળ હિંમતનગરના એક ખાનગી પાર્ટી પ્લોટમાં ખેડૂત મહાસંમેલન અને આગામી સમયમાં પણ હૂડા રદ કરવાના મામલે આંદોલન વધુ ઉગ્ર બનાવવાનો લલકાર કરાયો હતો. જેને ઉપસ્થિત લોકોએ આવકાર્યો હતો.
સંમેલનમાં વકતાઓએ ભારપૂર્વક એલાન કર્યુ હતુ હિંમતનગર-શામળાજી રોડ પરના કાંકણોલની સીમમાં આવેલ એક ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાયેલ ખેડૂત મહાસંમેલનમાં ૧૧ ગામમાંથી અનેક મહિલાઓ-પુરૂષો અને બાળકો પણ ખાનગી વાહનોમાં બેસીને આવી ગયા હતા. જોકે હૂડા સંકલન સમિતી ધ્વારા કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત સાથે સ્વંય સેવકો પણ સેવા આપી હતી.
સભા મંડપ ખીચોખીચ ભરાઈ ગયા બાદ મંચસ્થ વક્તાઓએ શરૂઆતમાં તેજાબી ભાષામાં સંબોધન શરૂ કર્યું ત્યારે ખાસ કરીને મહિલાઓએ હાથ ઉંચા કરીને હૂડા હટાવોને સમર્થન જાહેર કર્યું હતુ.
ત્યારબાદ વકતાઓએ સરકારને આડે હાથ લઈ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે હૂડા આંદોલન કોઈ નેતા કે રાજકીય પક્ષના અગ્રણીઓના કહેવાથી ચાલતું નથી અમારે વિકાસ નથી જોઈતો, તેમ કહી હૂડા રદ કરોની માંગ બુલંદ બનાવીને સભાને ગજવી હતી.
ઉપરાંત આગામી સમયમાં જ્યાં સુધી હૂડા રદ નહી થાય ત્યાં સુધી અમારૂ આંદોલન અટકશે નહી તેમ કહી ૧૧ ગામના ખેડૂતોનો જુસ્સો બેવડી દીધો હતો. હૂંડામાં કપાતમાં જતી જમીનના મોટાભાગના ખેડૂતોનો વ્યવસાય પશુપાલન અને ખેતી હોવાને કારણે જો તેમની જમીન કપાતમાં જાય તો કેટલાક ખેડૂતો જમીન વિહોણા બની જશે.
હૂડામાં ફેરફાર કે મોકુફ રખાશે, નિર્ણય સરકાર કરશે -છેલ્લા કેટલાક સમયથી હિંમતનગરની આસપાસ આવેલા ૧૧ ગામોને હૂંડામાં સમાવિષ્ટ કરાયા બાદ તંત્ર ધ્વારા સૂચિત વિકાસ નકશો પ્રસિધ્ધ કરાયો હતો ત્યારબાદ હૂડા રદ કરોના નારા સાથે ૧૧ ગામના લોકોએ અનેક કાર્યક્રમો યોજ્યા હતા. દરમ્યાન ગુરૂવારે હિંમતનગરમાં યોજાયેલ મહાસંમેલનની તમામ માહિતી સરકાર પાસે પહોંચી ગઈ છે ત્યારે હવે હૂડામાં ફેરફાર થશે કે મોકુફ રખાશે તેનો નિર્ણય સરકાર કરશે. જોકે હજુ તો વાંધા સૂચનો મંગાવાયા છે તેનો અભ્યાસ કરાયા બાદ સરકાર કેવો નિર્ણય કરશે તે અંગે સમયની રાહ જોવી રહી.

 
                 
                 
                