કાંકરિયામાં બોટિંગ અને લેસર-શો શરૂ થશે
 
        (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના કાંકરિયા તળાવમાં ઘણા સમયથી બંધ બોટિંગ ફરી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત નગીનાવાડી પણ ફરીથી નાગરિકો માટે ખુલ્લુ કરવામાં આવશે.
વડોદરાના હરણીકાંડ બાદ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું. ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠકમાં કાંકરિયાનું બોટિંગ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. ૧ નવેમ્બર બાદ આ બોટિંગ શરૂ કરવા તેમજ કાંકરિયા નગીનાવાડી ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેન લેસર શો પણ શરૂ કરવાને મંજૂરી આપવામાં આવી છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે કાંકરિયા તળાવમાં આવેલી નગીનાવાડીનો પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) ના ધોરણે વર્ષ ૨૦૦૩- ૦૪માં વિકાસ કરવામાં આવેલો અને તેમાં અલ્ટ્રા ફાસ્ટ મ્યુઝીકલ ફાઉન્ટે વીથ રંગીન લેશર શો, બોટીંગની સુવિધા સાથે શરૂ કરવામાં આવી હતી.
બગીચાની જાળવણી, લાઈટ ખર્ચ, સીકયુરીટી ખર્ચ અને મરામત અને નિભાવ ખર્ચની સંપુર્ણ જવાબદારી એજન્સીની રહેશે તે શરતો મુજબ આ કામગીરી કરવામાં આવેલી હતી. કાંકરિયામાં જાહેર જનતા માટે મ્યુઝીકલ ફાઉન્ટેનનું નવુ આકર્ષણ શરૂ કર્યું હતું. વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્યમાં તમામ જગ્યાએ બોટિંગ બંધ કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાકટર દ્વારા રાજ્ય સરકારની નવી પોલિસી મુજબ તમામ પ્રકારના લાયસન્સ મેળવવામાં આવ્યા છે. કોન્ટ્રાકટર કંપની આમ્રપાલી ઇન્ડ લિમિટેડ દ્વારા આ બોટિંગ ચલાવવામાં આવે છે.
જેને બોટિંગ બંધ રહ્યાંના ૧.૫ વર્ષનો કોન્ટ્રાક્ટ પણ લંબાવી આપવામાં આવ્યો છે. નગીનાવાડી, મ્યુઝીકલ ફાઉન્ટેન માં સને ૨૦૦૪થી અત્યાર સુધીમાં ૬૩.૬૧ લાખ મુલાકાતીઓએ મ્યુઝીકલ ફાઉન્ટેન લેશર શોનો લાભ લીધેલો છે અને જુદી જુદી પ્રકારની ૧૦ બોટસનો આનંદ કુલ ૮૬.૩૦ લાખ મુલાકાતીઓએ લાભ લીધેલો છે અને તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. ૭.૧૭ કરોડની આવક થયેલી છે.
આ કોન્ટ્રાક્ટને પાંચ વર્ષ માટે રીન્યુ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં યોજાયેલી કમિટી દ્વારા તેનો રિવ્યુ કરવામાં આવશે. એક અઠવાડિયામાં કમિશનર દ્વારા રીવ્યુ કરી અને ત્યારબાદ કાંકરિયામાં બોટિંગ અને નગીના વાડીમાં મ્યુઝિકલ ફાઉન્ટેન લેસર શો ફરી શરૂ થઈ જશે.

 
                 
                 
                