રાહત પેકેજ જાહેર કરવા ખારવા સમાજની માંગ
 
        સતત ખરાબ હવામાનથી માછીમારોને ભારે નુકસાન
અમદાવાદ, ગુજરાતમાં ચાલુ ચોમાસું સીઝનમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. બીજી તરફ શિયાળુ પાકનું વાવેતર કર્યા બાદ માવઠાની અસરને કારણે ખેતરમાં તૈયાર થયેલો ઉભો પાક ધોવાઈ જતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે.
હાલમાં માવઠાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રીઓ દ્વારા નુકસાનીનો તાગ મેળવાઈ રહ્યો છે ત્યારે માછીમારોએ પણ રાહત પેકેજ જાહેર કરવા માગ કરી છે. ઓગસ્ટ મહિનાથી સતત ખરાબ હવામાનને કારણે માછીમારોને મોટું નુકસાન પહોંચ્યું છે.
ગુજરાતના ખારવા સમાજના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, માછીમારોની નવી સીઝન શરૂ થયાના અઢી મહિના દરમિયાન માછીમારોને ખરાબ હવામાન અને વાવાઝોડાને કારણે મોટું નુકસાન થયું છે.
ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનિલ ગોહેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી જણાવ્યું છે કે ૧પ ઓગસ્ટ ર૦રપથી ગુજરાતમાં માછીમારી સિઝનની શરૂઆત થઈ હતી અત્યાર સુધીમાં ત્રણથી ચાર ચક્રવાતો અરબી સમુદ્રમાં સર્જાયા છે. જેના કારણે નાની મોટી ૪૦ હજાર બોટોને ફિશરીઝ તથા હવામાન વિભાગ દ્વારા વારંવાર ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
દરિયામાં ભારે પવનની સંભાવનાને કારણે માછીમારોને મધ દરિયામાં પહોંચ્યા બાદ પરત ફરવું પડ્યું હતું અનેક બોટો તાત્કાલિક દરિયા કાંઠે પહોંચી ગઈ હતી જેના કારણે માછીમારોને દરિયામાં જઈને પણ કોઈ ફાયદો થયો નથી.
આ વર્ષે ર૦ ટકાથી પણ ઓછી કામગીરી થઈ છે જેના કારણે બોટ માલિકો અને માછીમારોને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડયું છે. માછીમારોની દૈનિક આવક પણબંધ થઈ ગઈ છે. તે છતાંય બોટના મજૂરોનો ખર્ચ, પગાર, ડીઝલ, બરફ, ખોરાક અને જાળની જાળવણીના ખર્ચાઓ ચાલુ રહે છે જેથી સરકારે માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.

 
                 
                 
                