Western Times News

Gujarati News

ગોપાષ્ટમી નિમિત્તે ગોધરામાં ગૌમાતાની ભક્તિપૂર્વક પૂજા

(પ્રતિનિધિ)ગોધરા, કારતક સુદ આઠમ એટલે કે ગોપાષ્ટમી, હિંદુ ધર્મમાં વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતો દિવસ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણે માત્ર છ વર્ષની નાની ઉંમરે પોતાના હઠ અને અઢી મનોબળથી ગાયો ચરાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. તે સમયથી ભગવાનને “ગોપાલ”, “ગોવિંદ” જેવા નામોથી ઓળખવામાં આવવા લાગ્યા હતા.

આ પ્રસંગ દ્વારા શ્રીકૃષ્ણએ સમગ્ર માનવજાતને સંદેશ આપ્યો કે ગૌમાતા માત્ર પશુ નથી, પરંતુ માનવજીવનના પાલનહાર રૂપે પૂજનીય છે. ગૌમાતા આપણા ધર્મ, સંસ્કૃતિ અને આર્થિક સમૃદ્ધિનું પ્રતિક છે. ગોપાષ્ટમીના દિવસે ગૌપૂજા, ગૌસેવા અને ગૌદાનના પુણ્યકાર્યોનો વિશેષ મહિમા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યો છે.

કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવી-દેવતાઓનો નિવાસ છે. તેથી ગાયની સેવા-પૂજા કરવાથી જ અનેકવિધ કામનાઓ સિદ્ધ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા શાંતિ પ્રાપ્ત થાય છે.આ ગૌમય પ્રસંગ નિમિત્તે ગોધરા સ્થિત પાંજરાપોળ ગૌશાળા ખાતે ગૌભક્તો અને ધાર્મિકજનો દ્વારા ભાવપૂર્વક ગૌમાતાની પૂજા અર્ચના કરવામાં આવી.

ભક્તોએ ગૌમાતાને ફૂલમાળા પહેરાવી, આરતી ઉતારી અને ધૂપ-દીપ પ્રજ્વલિત કરીને આદ્યાત્મિક વાતાવરણ સર્જ્યું.તે સાથે, ગૌભક્તોએ ગાયોને ઘાસનું નિરણ કરીને ગૌસેવાની પરંપરાને જીવંત રાખી. ગૌશાળાના પરિસરમાં ભક્તિભાવથી ભરપૂર દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂજા બાદ ભક્તોએ ગાય માતાના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.

વિશ્વ હિંદુ પરિષદના મનુભાઈ ભગત, ઈમેશભાઈ પરીખ તથા તેમની સમગ્ર ટીમે ગૌશાળાની મુલાકાત લઈને ગાયો માટે ઘાસનું નિરણ કર્યું હતું અને ગાયોના આરોગ્ય તથા રક્ષણ માટે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “ગૌસેવા એ આપણા ધર્મ અને સંસ્કૃતિની આત્મા છે. ગાયનું રક્ષણ એ માનવતાનું રક્ષણ છે.

ગૌમાતાની પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ એ પર્યાવરણ, કૃષિ અને માનવ આરોગ્ય સાથે સીધી રીતે જોડાયેલ છે.”સ્થાનિક ગૌપ્રેમીઓ, ધર્મજનો અને સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ ગીતો અને ગૌગૌવિંદના જયઘોષ સાથે આખું પાંજરાપોળ ગૌશાળા પ્રાંગણ ગૌમાયી ભાવનાથી ગુંજી ઉઠ્‌યું હતું.આ રીતે, ગોપાષ્ટમીના આ પવિત્ર દિવસે ગોધરામાં ગૌપૂજા, ગૌસેવા અને ગૌદાનના પુણ્ય કાર્યો દ્વારા ગૌભક્તોએ આધ્યાત્મિક શાંતિ અને સંતોષનો અનુભવ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.