ICC ક્રમાંકમાં મોખરે પહોંચનારો રોહિત શર્મા સૌથી વયસ્ક ક્રિકેટર
સચિનને પાછળ રાખ્યો
અગાઉ ૨૦૧૧માં સચિન તેંડુલકર ૩૮ વર્ષ અને ૭૩ દિવસની વયે વન-ડે ક્રિકેટમાં મોખરાનો બેટર બન્યો હતોં
દુબઈ,ટેસ્ટ અને ટી૨૦માંથી નિવૃત્તિ બાદ હવે માત્ર વન-ડે ક્રિકેટમાં જ રમતા અને ભૂતપૂર્વ સુકાની રોહિત શર્માએ તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ આઇસીસી વન-ડે ક્રિકેટ ક્રમાંકમાં મોખરાનો ક્રમાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે રોહિત શર્મા આઇસીસીસી ક્રમાંકમાં પ્રથમ ક્રમે પહોંચનારો સૌથી વયસ્ક ક્રિકેટર બની ગયો હતો.
તેણે ૩૮ વર્ષ અને ૧૮૨ દિવસને ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી.રોહિત શર્માએ આ સિદ્ધિ સાથે ભારતના સર્વકાલીન મહાન બેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ પણ વટાવી દીધ હતો. અગાઉ ૨૦૧૧માં સચિન તેંડુલકર ૩૮ વર્ષ અને ૭૩ દિવસની વયે વન-ડે ક્રિકેટમાં મોખરાનો બેટર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા તેની સમગ્ર કારકિર્દીમાં ક્યારેય પ્રથમ સ્થાને પહોંચ્યો ન હતો. ભારતનો વર્તમાન વન-ડે કેપ્ટન શુભમન ગિલ છેલ્લા કેટલાક સમયથી કંગાળ પ્રદર્શનને કારણે ત્રીજા ક્રમે સરકી ગયો છે.
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં રમાયેલી વન-ડે સિરીઝમાં ગિલનો શ્રેષ્ઠ બેસ્ટ સ્કો૨ માત્ર ૨૪ રનનો રહ્યો હતો. આઇસીસી ચેમ્પિયન્સ વન-ડે ટ્રોફીમાં પણ ગિલ મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો જેને કારણે તેને રેટિંગ પોઇન્ટમાં પણ નુકસાન થયું છે. ગિલે છેલ્લે ૨૧મી ઓક્ટોબરે જારી કરાયેલા રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. તે હવે અફઘાનિસ્તાનના ઇબ્રાહિમ ઝાદરાન કરતાં પાછળ છે.
ઇબ્રાહિમ બીજા ક્રમે આવી ગયો છે અને આ સ્થાન હાંસલ કરનારો પ્રથમ અફઘાન ક્રિકેટર બન્યો છે. પાકિસ્તાનનો બાબર આઝમ ચોથા ક્રમે છે પરંતુ વિરાટ કોહલી મોખરાના પાંચ બેટરમાંથી બહાર થઇ ગયો છે અને તે એક ક્રમાંક પાછળ સરકીને છઠ્ઠા સ્થાને પહોંચ્યો છે. ન્યૂઝીલેન્ડનો ડેરેલ મિચેલ પાંચમા ક્રમે છે.SS1
