Western Times News

Gujarati News

વિસનગર તાલુકાના સદુથલા ગામે આશ્રમના મહંત પર કર્યો ધોકાઓ વડે હુમલો

પ્રતિકાત્મક

તસ્કરો ચોરી કરવાના ઇરાદે આશ્રમમાં ઘૂસ્યા હતા.

(એજન્સી) મહેસાણા, મહેસાણામાં વિસનગર તાલુકાના સદુથલા ગામે આવેલ ઉમેદપુરી આશ્રમમાં મોડી રાત્રે બુકાનીધારી તસ્કરો ત્રાટકતાં ખળભળાટ મચી ગયો છે. બુકાનીધારીઓએ આશ્રમના મહંત પ્રયાગગીરીજી મહારાજ પર હુમલો કર્યો હતો.

સદુથલા ગામના ઉમેદપુરી આશ્રમમાં રાત્રી દરમિયાન બુકાનીધારી તસ્કરો હથિયારો સાથે ત્રાટક્્યા હતા. પોલીસનું પ્રાથમિક અનુમાન છે કે તસ્કરો ચોરી કરવાના ઇરાદે આશ્રમમાં ઘૂસ્યા હતા.આશ્રમમાં ઘૂસેલા બુકાનીધારીઓએ મહંત પ્રયાગગીરીજી મહારાજ પર ધોકા વડે હુમલો કર્યો હતો.

હુમલાને કારણે મહંતને ઇજાઓ પહોંચી હતી. જોકે મહંતે પ્રતિકાર કર્યો કે અન્ય કોઈ કારણસર તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા કે નહીં તે અંગેની ચોક્કસ માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આ સમગ્ર ઘટના આશ્રમ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેના વિડીયો ફૂટેજ સામે આવ્યા છે.

આ ફૂટેજમાં બુકાનીધારી શખ્સો હથિયારો સાથે આશ્રમમાં ફરતા અને હુમલો કરતા જોવા મળી રહ્યા છે. આ બનાવના પગલે વિસનગર શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહંતનું નિવેદન નોંધ્યું હતું અને સીસીટીવી ફૂટેજ કબજે કર્યા હતા.

પોલીસે હવે આ ફૂટેજના આધારે બુકાનીધારીઓને ઓળખી કાઢીને તેમને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સદુથલા ગામ અને આસપાસના ધાર્મિક સ્થળોમાં સુરક્ષા અંગે ચિંતા ઊભી થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.