ઓઢવ સ્મશાનગૃહમાં ટાયરથી અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી: વિકાસના પોકળ દાવા
AMC દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી-અંતિમવિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતાં.
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસિટી અમદાવાદ ના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ના હોવાની ઘટના સામે આવી છે.જેમાં મૃતકના સ્વજનોને ટાયરો અને ગોદડા સળગાવી અંતિમવિધિ કરવાની ફરજ પડી હતી. સ્મશાન ગૃહ તરફથી અંતિમવિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતાં.
જેના કારણે અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા અંતે ચાર કલાક બાદ મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમવિધિ કરવી પડી હતી. કરોડોનો ખર્ચ કરવા છતાં આ પ્રકારની સ્થિતિ ઊભી થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
બંને વિડીયો ગુજરાતનાં અલગ અલગ સ્મશાન ગૃહના છે.
પહેલો વિડિયો અમદાવાદના ઓઢવના સ્મશાનગૃહનો છે જ્યાં સૂકા લાકડા ખૂટી પડતા એક ગરીબની અંતિમવિધિ માટે ટાયરો, ગોદડાનો ઉપયોગ કરાયો. વીડિયો વાયરલ થતા મનપાએ કોન્ટ્રાક્ટરને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો અને દંડની કાર્યવાહીની ખાતરી આપી.
બીજો… pic.twitter.com/nsHgD6IaMn
— Krishna Patel (@Krishna760046) October 31, 2025
ઓઢવ સ્મશાન ગૃહ ખાતે એક મૃતદેહને અંતિમવિધિ માટે લાવવામાં આવ્યા હતા. સૂકા લાકડા ના હોવાથી તેમને ભીના લાકડા આપવામાં આવ્યા હતાં.જેના કારણે મૃતદેહ સળગવામાં ઘણો સમય લાગી રહ્યો હતો. જેથી ત્રણ ઘણું ધી, તલ સહિતની સામગ્રી લાવવી પડી હતી.
આ ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીના કારણે જ બની છે. મૃતકના પરિવારજન રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે, અમે મૃતદેહ લઈને ગયા ત્યારે લાકડાં માંગ્યા હતા. હાજર વ્યક્તિએ કહ્યું કે સામે લાકડા પડ્યા છે લઈ લેજો. ગોડાઉનમાં જોયું તો લાકડા નહોતા, બહાર લાકડા પડ્યા હતા. પરંતુ વરસાદ ચાલુ હોવાથી તે ભીના થઈ ગયાં હતા. જેથી મૃતદેહ જલ્દી સળગે તે માટે સૂકા લાકડા માંગવામાં આવ્યા હતાં.
ત્યારે હાજર વ્યક્તિ કહ્યું કે જે છે તે આજ છે સૂકા લાકડા મારી પાસે નથી. તેથી જેમ તેમ કરીને મૃતદેહને પંચમહાભૂતમાં વિલીન કર્યો હતો. અમને જે તકલીફ થઈ છે તે કોઈને ના થાય તે જ અમારી માગણી છે. મારું એક જ માનવું છે કે સૂકા લાડકા લાવીને ગોડાઉનમાં રાખવા જોઈએ. લાકડાથી સળગાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ સળગ્યાં નહીં. રૂથી પણ સળગાવવાનો પ્રયાસ કર્યો જે બાદ બહારથી એક વ્યકિત ટાયરને લઈને આવ્યો હતો અને ટાયર નાખ્યા હતા. અત્યારે પણ ટાયરના તાર જોવા મળશે.
મ્યુનિ. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા છે. જેનું વાર્ષિક બજેટ ૧૫ હજાર કરોડ કરતા પણ વધુનું હોય છે. ત્યાં એક શર્મનાક ઘટના ઓઢવમાંથી સામે આવી છે.
ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં એક પરિવાર મૃતકની અંતિમવિધિ માટે જાય છે. જ્યાં અંતિમવિધિ માટે સ્મશાન ગૃહમાં લાકડા પણ હોતા નથી. ચાર કલાક રાહ જોયા બાદ પરિવારે અંતિમવિધિ કરવા માટે ટાયરનો ઉપયોગ કરવો પડ્યો હતો. વધુમાં વિપક્ષ નેતાએ જણાવ્યું કે, સ્મશાન ગૃહના લાકડામાં પણ હવે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને ઉગ્ર આંદોલન કરશે.
મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના અધિકારી ડો.ભાવિન જોશી ના જણાવ્યા મુજબ આ મામલે કોન્ટ્રાક્ટર ને નોટિસ આપવામાં આવી છે. જવાબદાર ડે. હેલ્થ ઓફિસર અને હેલ્થ કમીટી ચેરમેન ઘ્વારા ઓઢવ સ્મશાન ની તાકીદે મુલાકાત લેવામાં આવી છે.
તેમના રીપોર્ટ મુજબ સ્મશાનમાં સી.એન.જી.ભઠ્ઠી કાર્યરત છે તેમજ સૂકા લાકડા પણ ઉપલબ્ધ છે. આ તમામ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર ને રિપોર્ટ કરવામાં આવ્યો છે. તેમના માર્ગદર્શન મુજબ આગળ કાર્યવાહી કરવામાં આવશે.
