દેવઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનું આયોજન કેમ કરવામાં આવે છે. શું છે તેનું મહત્વ !
તુલસી વિવાહ: તુલસીજીને પાનેતર-ઘરેણાં પહેરાવી તૈયાર કરાશે: શાલીગ્રામની જાન આવશે
રવિવારે દેવઉઠી એકાદશીના દિવસે અનેરૂં આયોજન -નિકોલના ભોજરામ આશ્રમમાં તુલસી વિવાહ, એક હજાર કંકોતરી લખાઈ
(એજન્સી)અમદાવાદ, દિવાળી પછી ઘરોમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે નિકોલના રહીશો દ્વારા તેમના દીકરા કે દીકરીના લગ્નની નહી પણ તુલસી વિવાહની તૈયારી પુરજોશમાં કરાઈ રહી છે.
દેવઉઠી એકાદશીએ યોજાતા તુલસી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક મનાતા શાલીગ્રામના લગ્ન માટે એક હજાર જેટલી કંકોત્રીઓ લખી લોકોને નિમંત્રણ આપી દેવાયું છે. ભોજલરામ આશ્રમમાં રવીવારે સાંજે શાલીગ્રામની જાન આવશે અને ધામધુમથી લગ્ન યોજાશે.
પ્રબોધીની એકાદશીના દીવસે ઘરે ઘરે અને સોસાયટીઓમાં તુલસીના છોડને ચુંદડી, સાડી, બંગડી હાર પહેરાવી તૈયાર કરી શાલીગ્રામ સાથે તેમના લગ્ન લેવામાં આવે છે. નિકોલમાં દસેક વર્ષથી અનોખી રીતે તુલસી વિવાહનું આયોજન કરાય છે. સોસાયટીઓ પર પક્ષ અને કન્યા પક્ષ તરીકે યજમાની કરે છે. અને પોતાના દીકરા કે દીકરીના લગ્ન હોય તેમજ પ્રસંગનું આયોજન કરે છે.
જેના માટે એક હજાર કંકોત્રી લખી લોકોને નિમંત્રણ પણ પાઠવી દેવાયું છે. વિવાહની આગલી સાંજે વરપક્ષના ઘરે માંડવો બાંધી રાસ-ગરબાનું આયોજન કરાશે. જયારે કન્યાપક્ષના ઘરે સંગીત સંધ્યા યોજાશે. આ સિવાય સવારે બંને પક્ષ તરફથી જમણવાર રાખવામાં આવે છે.
અગીયારસે સાંજે ભોજલરામ સીનીયર સીટીઝન આશ્રમમાં પાનેતર પહેરી તુલસી એટલે વૃંદા શાલીગ્રામની રાહ જોશે. અને હાથી-ઘોડા સાથે બગીમાં શાલીગ્રામની જાન લઈને વરપક્ષ ત્યાં આવી પહોચશે. લગ્ન માટે આશ્રમને ફુલો અને રોશનીથી ઝળહળતો કરાયો છે. તેમજ વીસેક ફુટની રંગોળી બનાવાશે. આખા વિસ્તારમાંથી પાંચેક હજાર શ્રધ્ધાળુઓ આ વિવાહમાં જોડાઈ ભોજન પ્રસાદી ગ્રહણ કરતા હોય છે.
દેવઉઠી એકાદશીના દિવસે જ તુલસી વિવાહનું આયોજન શા માટે?
૧. ચાતુર્માસની સમાપ્તિ: ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીના દિવસે યોગ નિદ્રામાં જાય છે અને દેવઉઠી એકાદશીએ જાગૃત થાય છે. આ ચાર મહિના (ચાતુર્માસ) દરમિયાન શુભ કાર્યો, ખાસ કરીને લગ્ન, પ્રતિબંધિત હોય છે. જ્યારે ભગવાન જાગૃત થાય છે, ત્યારે તેમના વિવાહ તુલસીજી સાથે કરાવીને સૃષ્ટિ પર ફરી માંગલિક કાર્યોના પ્રારંભની જાહેરાત કરવામાં આવે છે. આ તુલસી-શાલિગ્રામ વિવાહને પૃથ્વી પરનું પ્રથમ લગ્ન માનવામાં આવે છે, જે બાદ અન્ય લગ્નોનો માર્ગ ખુલ્લો થાય છે.
૨. તુલસીને મોક્ષની પ્રાપ્તિ: તુલસી વિવાહનું મૂળ એક ધાર્મિક કથામાં છે, જેમાં તુલસીજીને મોક્ષ પ્રદાન કરવાની અને તેમને ભગવાન વિષ્ણુ સાથે જોડવાની ભાવના છે. આ વિવાહ બાદ તુલસી પૃથ્વી પર ભગવાન વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાય છે.
૩. સુખી દામ્પત્ય જીવનની કામના: જે જાતકોને સંતાન નથી અથવા જેમના લગ્નજીવનમાં સમસ્યાઓ છે, તેઓ આ વિવાહનું આયોજન કરીને સુખી દામ્પત્ય જીવન અને ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ વિધિ કન્યાદાન સમાન પુણ્ય આપે છે.
તુલસી વિવાહનો પૌરાણિક ઇતિહાસ: વૃંદા અને જલંધરની કથા
તુલસી વિવાહના આયોજન પાછળ પૌરાણિક કથા જોડાયેલી છે, જે માતા તુલસીના પૂર્વ જન્મ અને તેમના પતિના ઉલ્લેખ સાથે સંબંધિત છે.
કથાનું મુખ્ય પાત્ર: વૃંદા અને જલંધર
એક સમયે જલંધર નામનો એક શક્તિશાળી અસુર હતો, જેનો જન્મ ભગવાન શિવના ક્રોધથી થયો હતો. જલંધરના લગ્ન વૃંદા નામની એક સતી અને ધર્મનિષ્ઠા સ્ત્રી સાથે થયા હતા. વૃંદાની પતિવ્રતા ધર્મની શક્તિ એટલી પ્રબળ હતી કે તેના કારણે જલંધરને કોઈ પણ દેવતા હરાવી શકતા નહોતા.
જલંધરે દેવતાઓ અને ઋષિઓને પરેશાન કરવાનું શરૂ કર્યું. જ્યારે તમામ દેવતાઓ ભેગા મળીને પણ જલંધરને હરાવી ન શક્યા, ત્યારે તેમણે મદદ માટે ભગવાન વિષ્ણુ પાસે વિનંતી કરી.
ભગવાન વિષ્ણુનું છળ અને વૃંદાનું શ્રાપ
ભગવાન વિષ્ણુએ દેવતાઓની મદદ કરવા અને જલંધરના અંત માટે વૃંદાના સતીત્વને ભંગ કરવાનું નક્કી કર્યું. ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કર્યું અને વૃંદા પાસે ગયા. વૃંદાએ તેમને પોતાના પતિ માનીને સ્પર્શ કર્યો, જેના કારણે તેનું સતીત્વ તૂટી ગયું અને જલંધરની રક્ષક શક્તિ સમાપ્ત થઈ ગઈ. વૃંદાનું સતીત્વ ભંગ થતાંની સાથે જ દેવતાઓએ જલંધરનો વધ કર્યો.
જ્યારે વૃંદાને સત્યની જાણ થઈ કે ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ લઈને તેની સાથે છળ કર્યું છે, ત્યારે તે ખૂબ દુઃખી થઈ. તેણે ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે તેઓ પથ્થર (શાલિગ્રામ) બની જાય અને તેમને તેમની પત્ની (લક્ષ્મીજી) થી વિયોગ સહન કરવો પડે.
મોક્ષ અને તુલસી તરીકે પુનર્જન્મ
વૃંદાના આ શ્રાપને કારણે ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થર બની ગયા. વૃંદા પછી પોતાના પતિ જલંધરની ચિતા પર સતી થઈ ગઈ. જે જગ્યાએ વૃંદા સતી થઈ, ત્યાં એક છોડ ઉગી નીકળ્યો, જેને ભગવાન વિષ્ણુએ તુલસી નામ આપ્યું. ભગવાન વિષ્ણુએ વૃંદાની ધર્મનિષ્ઠાથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે:
“હે વૃંદા! તું મારા શાલિગ્રામ સ્વરૂપ સાથે વિવાહ કરીને હંમેશા મારી સાથે જ રહીશ અને તું જગતમાં પૂજનીય બનીશ. મારા ભોગમાં તારું પાન અર્પણ કર્યા વિના કોઈ પૂજા સંપૂર્ણ નહીં થાય.”
આ વરદાન અનુસાર, ભગવાન વિષ્ણુએ તેમના શાલિગ્રામ સ્વરૂપે દેવઉઠી એકાદશીના દિવસે તુલસીજી સાથે વિવાહ કર્યા હતા. ત્યારથી, આ દિવસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે, જે ધર્મ અને સતીત્વની જીતનું પ્રતીક છે.
