અમેરિકામાં ભારતીયોની ગેરકાયદે ઘૂસણખોરી ૬૨ ટકા ઘટી
બ્રિટનમાં ગેરકાયદે રહેતા ૧૦૦ ભારતીયો પાછા ફર્યા
ટ્રમ્પની સખ્તાઈથી એક જ વર્ષમાં આંકડો ૯૦ હજારથી ૩૪ હજારે પહોંચ્યો
ટ્રમ્પે ૨૦૨૫માં અલગ અલગ કારણોથી ૨૭૯૦ ભારતીયોને પાછા ધકેલ્યા
નવી દિલ્હી,અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા ત્યારથી વિદેશી નાગરિકો તરફ અમેરિકાની પોલિસી બદલાઈ ગઈ છે. વિવિધ માપદંડો પૂરાં ન કરનારા કે અપૂરતા દસ્તાવેજો ધરાવતા સેંકડો વિદેશી નાગરિકોને સ્વદેશ ધકેલી દીધા છે. એમાં હજારો ભારતીયોનો પણ સમાવેશ થાય છે. ૨૦મી જાન્યુઆરીએ ટ્રમ્પે શપથ લીધા ત્યારથી લઈને અત્યાર સુધીમાં ૨૭૯૦ ભારતીય નાગરિકોને સ્વદેશ ધકેલી દીધા છે.ભારત સરકારના વિદેશ મંત્રાલયે જાહેર કરેલાં આંકડાં પ્રમાણે જાન્યુઆરીથી ઓક્ટોબરના અંત સુધીમાં વિવિધ કારણોસર ૨૭૯૦ ભારતીય નાગરિકોને અમેરિકાએ દેશનિકાલ કર્યા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું કે અમેરિકાના વિવિધ માપદંડોને પૂરા ન કર્યા હોવાથી આ નાગરિકોને દેશનિકાલ કરાયા હતા. ભારત સરકારે તેમનું વેરિફિકેશન કર્યું હતું અને નાગરિકતાની તપાસ કર્યા બાદ તેમને પાછા લવાયા છે.બ્રિટનમાંથી કેટલા નાગરિકોને પાછા ધકેલાયા એવું પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ વર્ષે બ્રિટને પણ ૧૦૦ નાગરિકોને સ્વદેશ મોકલ્યા હતા. તેમણે એવું પણ ઉમેર્યું કે નાગરિકોને પાછા લાવવાની પ્રક્રિયામાં બે દેશો વચ્ચે નક્કી કરેલા નિયમોનું પાલન થયું છે.
કૂટનૈતિક પ્રક્રિયા પ્રમાણે આ કાર્યવાહી થઈ હતી. ભારત અને અમેરિકા-બ્રિટન-કેનેડા જેવા દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ગેરકાયદે રહેતા ભારતીય નાગરિકોનો મુદ્દો ચર્ચાતો રહે છે. જોકે, થોડા સમયથી ઘણાં દેશોએ સખ્તાઈથી આ દિશામાં કામ કર્યું હોવાથી એમાં ઓટ આવવી શરૂ થઈ છે.અમેરિકામાં ટ્રમ્પ પ્રમુખ બન્યા તેની અસર ગેરકાયદે ઘૂસણખોરીના મુદ્દે થઈ હતી.
અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં વિદેશી નાગરિકોની ગેરકાયદે ઘૂસણખોરી ઓછી થઈ છે અને એમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. એક વર્ષ પહેલાં ૯૦૪૧૫ ભારતીયોને ગેરકાયદે ઘૂસણખોરી વખતે પકડી લેવાયા હતા. એક જ વર્ષમાં એ આંકડો ઘટીને ૩૪૧૪૬ થઈ ગયો છે. ભારતીયોની ગેરકાયદે ઘૂસણખોરીમાં ૬૨ ટકાનો ઘટાડો નોંધાયો છે.ss1
