બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી એન્જિનિયર રેની સુપ્રીમ કોર્ટ પહોંચી
સુપ્રીમ કોર્ટે પક્ષકારોને નોટિસ જાહેર કરી
રેની સામે ધમકીભર્યા ઈ-મેલ કરવા બદલ ગુજરાત ઉપરાંત દેશના કુલ ૧૧ રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા
મુંબઈ,અમદાવાદ પ્લેન ક્રેશની જવાબદારી સ્વીકારવા સાથે સ્કૂલો, કોર્ટ સંકુલ સહિતના જાહેર સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતાં ઈ-મેલ કરવાના ચકચારભર્યા કેસમાં ઝડપાયેલી મૂળ ચેન્નાઈની ટેકનીશિયન રેની જોશીલ્ડાએ તેની સામે નોંધાયેલી એકથી વધુ ફરિયાદોને ભેગી (કલબ) કરી ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે.
આ પિટિશન પર જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી અને સંબંધિત પક્ષકારોને નોટિસ જાહેર કરી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં યોજાશે. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન તાત્કાલિક કોઈ રાહત ભર્યાે હુકમ પસાર કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.
ગુજરાત હાઈકોર્ટ, જુદી જુદી સ્કૂલો સહિતના વિવિધ સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપતા ઈ-મેલ કરવાના પ્રકરણમાં રેની જોશીલ્ડા સામે અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસમથક, સરખેજ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. ચોંકાવનારી વિગત એ છે કે, રેની સામે આ પ્રકારના ધમકીભર્યા ઈ-મેલ કરવા બદલ ગુજરાત ઉપરાંત દેશના કુલ ૧૧ રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે.
જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તામિલનાડુ, દિલ્હી, કર્ણાટક, કેરળ, બિહાર, તેલંગાણા, પંજાબ, મધ્યપ્રદેશ અને હરિયાણાનો સમાવેશ થાય છે.જૂન મહિનામાં ગુજરાત હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ શહેર ક્રાઈમબ્રાંચ દ્વારા ૨૯ વર્ષીય રોબોટિક્સ એન્જિનિયર રેની જોશીલ્ડાની ધરપકડ કરવામાં આવી હતી.
તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરનારા યુવકને ફસાવવાના ભાગરૂપે તેણે આ કૃત્ય આચર્યું હતું. તેની સામે એકથી વધુ ઘણી બધી ફરિયાદો નોંધાયેલી હોવાથી, આ તમામ ફરિયાદોને એકસાથે ભેગી કરી (કલબ)ને ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે રેની જોશીલ્ડાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.ss1
