Western Times News

Gujarati News

મમતા કુલકર્ણીનો યુ-ટર્ન…હું ક્યારેય દાઉદને મળી નથી.

મારા માટે કોઈપણ રાષ્ટ્ર વિરોધી તત્વ સાથે કોઈ સંબંધ રાખવો અશક્ય છે ઃ મમતા

દાઉદ આતંકવાદી હતો, મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું!

મુંબઈ,૯૦ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી અને હાલમાં આધ્યાત્મિક જીવન જીવતી મમતા કુલકર્ણી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ વિશેના પોતાના અગાઉના નિવેદનને કારણે ફરી સમાચારમાં છવાઈ ગઈ છે. અગાઉ તેમણે દાઉદ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સામેલ ન હોવાનું અને આતંકવાદી ન હોવાનું કહ્યું હતું, પરંતુ હવે ગોવામાં તેમણે આ નિવેદન પર યુ-ટર્ન લીધો છે.ગોવામાં એક મીડિયા ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમની ટિપ્પણીઓને ખોટી રીતે સમજવામાં આવી હતી. મમતા કુલકર્ણીએ મીડિયાને જણાવ્યું કે, “હું ત્યાં વિક્કી ગોસ્વામી વિશે વાત કરી રહી હતી, દાઉદ ઇબ્રાહિમ વિશે નહીં.

દાઉદ ખરેખર આતંકવાદી હતો. હું ક્યારેય દાઉદને મળી નથી. મારા માટે કોઈપણ રાષ્ટ્ર વિરોધી તત્વ સાથે કોઈ સંબંધ રાખવો અશક્ય છે.”તેમણે ઉમેર્યું કે હાલમાં તેમનો રાજકારણ કે ફિલ્મ ઉદ્યોગ સાથે કોઈ સંબંધ નથી અને તે સંપૂર્ણપણે સનાતન ધર્મની અનુયાયી બનીને આધ્યાત્મિકતામાં ડૂબી ગઈ છે.મમતા કુલકર્ણી એક સમયે બોલિવૂડની મોટી સ્ટાર હતી અને તેણે બાજી, ક્રાંતિ વીર, સબસે બડા ખિલાડી અને કરણ અર્જુન જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે તે ખૂબ પ્રખ્યાત હતી.

જોકે, જ્યારે મમતા કુલકર્ણી કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તેનું નામ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન અને ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે જોડાયું હતું.મમતા કુલકર્ણીનું નામ ડ્રગ ટ્રાફિકિંગમાં પણ સામે આવ્યું હતું. વિક્કી ગોસ્વામી સાથેના સંબંધોને કારણે તેમની કારકિર્દી બરબાદ થઈ અને તે દેશ છોડીને વિદેશ ચાલી ગઈ હતી. ૨૫ વર્ષ બાદ તાજેતરમાં તે ભારત પરત ફરી હતી અને તેણે કિન્નર અખાડામાં સંન્યાસ લીધો હતો. જોકે, મહા કુંભ મેળા દરમિયાન અખાડાના મહા મંડલેશ્વર તરીકે તેમની નિમણૂકને લઈને ઘણો વિવાદ થયો હતો.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.