પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણથી વેડંચા ગ્રામ પંચાયતને દર મહિને 45 હજારની થાય છે આવક
વેડંચા મોડેલ: ગ્રે વોટર મેનેજમેન્ટમાં ગુજરાતનો ગૌરવવંતો પ્રોજેક્ટ
Ø આ મોડેલ થકી ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારી
Ø વેડંચા ગામને વર્ષ ૨૦૨૪–૨૫નો પ્રતિષ્ઠિત CIPS – સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડ મળ્યો
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું નાનકડું ગામ વેડંચા આજે દેશભરમાં સ્વચ્છતા અને પાણીના ટકાઉ વ્યવસ્થાપનનું ઝળહળતું ઉદાહરણ બની રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ આ ગામે ગ્રે વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે ઈતિહાસ રચ્યો છે. વેડંચા ગામને વર્ષ ૨૦૨૪-૨૫નો પ્રતિષ્ઠિત CIPS – સેન્ટર ફોર ઈનોવેશન ઈન પબ્લિક સર્વિસ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યું છે.
વેડંચા મોડેલની વિશિષ્ટતા
વેડંચા ગામે ગ્રે વોટર એટલે કે, રસોડા અને બાથરૂમમાંથી નીકળતા ગંદા પાણીના વ્યવસ્થાપન માટે સરળ, સસ્તી અને અસરકારક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવતર મોડેલ ઊભું કર્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ ૨૦૨૦-૨૧માં થઈ હતી. જ્યારે ગામમાં ભૂગર્ભ જળના સ્તર ખૂબ ઊંડા ઉતરી ગયા હતા. ગામની પાણીની સમસ્યાને ઉકેલવા અને સ્વચ્છતા વધારવા માટે વેડંચા ગ્રામ પંચાયતે વાસ્મોના ટેકનિકલ સપોર્ટ અને બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન સાથે માત્ર ૫.૫૫ લાખ રૂપિયાના ખર્ચે ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટનું નિર્માણ કર્યું છે.
આ યુનિટ દ્વારા ગામના ૩૦ ટકા ઘરોમાંથી નીકળતા ગંદા પાણીનું શુદ્ધિકરણ કરીને લગભગ ૨૦૦ કિલો લિટર પ્રતિ દિવસ- KLD પાણી ખેતી અને ભૂગર્ભ જળ રિચાર્જ માટે ઉપયોગમાં લેવાય છે. આ પ્રક્રિયામાં ફટકડી, ચૂના અને ચારકોલ જેવી સરળ સામગ્રીનો ઉપયોગ થાય છે, જેનાથી ખર્ચ ઓછો રહે છે અને જાળવણી પણ સરળ બને છે. આ ઉપરાંત, પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણથી ગ્રામ પંચાયતને દર મહિને ૪૫ હજાર થી ૫૦ હજાર રૂપિયાની આવક થાય છે, જે આ મોડેલને આત્મનિર્ભર બનાવે છે.
સ્વચ્છતા અને ટકાઉ વિકાસનું પ્રતીક
વેડંચા મોડેલની સફળતા એટલી પ્રભાવશાળી છે કે તે રાજ્ય અને દેશભરના ગામો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. આ મોડેલે ન માત્ર પાણીનો વ્યય અટકાવ્યો, પરંતુ ભૂગર્ભ જળનું સંરક્ષણ કરીને ગામની પાણીની ઉપલબ્ધતા વધારી છે. આ ઉપરાંત ગામમાં સ્વચ્છતાનું સ્તર પણ નોંધપાત્ર રીતે સુધર્યું છે. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ગ્રામ પંચાયતોને લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે વ્યક્તિ દીઠ ગ્રાન્ટ જેમાં પાંચ હજારથી ઓછી વસ્તી માટે ૨૮૦ રૂપિયા અને પાંચ હજારથી વધુ વસ્તી માટે ૬૬૦ રૂપિયા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેનો ઉપયોગ કરીને અન્ય ગામો પણ આવા યુનિટની સ્થાપના કરી શકે છે.
દેશના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ
વેડંચા ગામની આ સિદ્ધિની ગુંજ દૂર-દૂર સુધી પહોંચી છે. અન્ય જિલ્લાઓના અધિકારીઓ, સરપંચો અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ આ મોડેલનો અભ્યાસ કરવા વેડંચા ગામની મુલાકાત લઈ રહ્યા છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સતત માર્ગદર્શનથી ગામમાં સ્વચ્છ ભારત મિશનના અન્ય પાસાઓ જેવા કે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અને શોષખાડા નિર્માણ જેવી પ્રવૃત્તિઓમાં પણ નવો ઉત્સાહ જોવા મળ્યો છે.
વેડંચા મોડેલ એ ગ્રામીણ ભારત માટે એક નવો રાહ બતાવે છે. જે સ્વચ્છતા, પાણીનું સંરક્ષણ અને આર્થિક આત્મનિર્ભરતાને એકસાથે સાકાર કરે છે. ગુજરાત સરકારે આ મોડેલને રાજ્યભરમાં અમલી બનાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. વેડંચા ગામે સાબિત કર્યું છે કે નાના પગલાંઓથી મોટા ફેરફારો શક્ય છે, અને આ મોડેલ ગ્રામીણ વિકાસનું એક ઝળહળતું રત્ન બની રહેશે.
