કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાના અટકાયતી પગલાં અંતર્ગત બેઠક યોજાઇ
ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ :આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. ૦૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે.
➡️રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના
➡️ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી@prafulpbjp #Rainfall #Gandhinagar pic.twitter.com/9CEU6TZsKD
— DD News Gujarati (@DDNewsGujarati) November 2, 2025
મંત્રી શ્રી પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.
વધુમાં, મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે. જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. મંત્રીશ્રીએ દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો અને 108 મેડિકલ વાનમાં એન્ટિ વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
આ મિટિંગમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણ, અધિક નિયામક શ્રી નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
