વાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સરકારે સ્વીકાર્યા
વાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખંધારનો અનુરોધ
વાજબી ભાવના દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા છે: અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધાર
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારની અધ્યક્ષતામાં અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાજબી ભાવના દુકાનદારો સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં દુકાનદારો સાથે સંવાદ સાધતાં સુશ્રી મોના ખંધારે વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા શરૂ કરવા તથા જરૂરિયાતમંદ લોકોને સમયસર અનાજ અને ખાદ્ય સામગ્રી પહોંચાડવા માટે અપીલ કરી હતી. અગ્ર સચિવશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી દ્વારા વિવિધ એસોસિયેશનના પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું છે.
સુશ્રી મોના ખંધારે વધુમાં જણાવ્યું હતું કે સરકારે એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ તાત્કાલિક સ્વીકારી લીધા છે. બાકીના મુદ્દાઓ નીતિ વિશષક છે, જે અંગેની પ્રક્રિયા ચાલી રહી છે, જેનું હકારાત્મક પરિણામ ટૂંક સમયમાં આવી જશે.
અગ્ર સચિવશ્રીએ ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર વાજબીભાવના દુકાનદારોનો આભાર માનીને જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગીઓ છીએ. હાલની વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની આપણી જવાબદારી આપણે સૌ સારી રીતે નિભાવીશું, એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
જાહેર વિતરણ વ્યવસ્થાની બાબતે ગુજરાત અગ્રેસર રહ્યું છે. વન નેશન, વન રાશનથી લઈને અનેક બાબતોમાં રાજ્યમાં સારી કામગીરી ચાલી રહી છે, એવું તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે પણ વાજબી ભાવના દુકાનદારોને ચલણ ભરવા અને વિતરણની કામગીરી નિયમિત કરવા અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયામક શ્રી મયૂર મહેતા, સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી, નિવાસી અધિક કલેકટર શ્રી ભાવિન સાગર, ફૂડ કંટ્રોલર શ્રી વિમલ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી શ્રી દિન્તા કથીરિયા સહિતના અધિકારીઓ તેમજ વાજબી ભાવના દુકાનદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
