Western Times News

Gujarati News

એમ્બ્યુલન્સ અને બાઈક વચ્ચે અકસ્માત: 5 માસની બાળકીનો ચમત્કારિક બચાવ

AI Image

એક વ્યક્તિએ પગ ગુમાવ્યો-જેતપુરના નવાગઢ નજીક તત્કાલ ચોકડીથી પઢેલા તરફ જવાના રોડ પર અકસ્માત

જેતપુર, જેતપુરના નવાગઢ નજીક તત્કાલ ચોકડીથી પઢેલા તરફ જવાના રોડ પર ર૯ ઓકટોબરની રાત્રે એક એમ્બ્યુલન્સ અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં બાઈક પર સવાર એક જ પરિવારના ચાર સભ્યોમાંથી પતિ-પત્ની અને પુત્રવધૂ સજ્ઞહત ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજા એટલી ગંભીર હતી કે, બાઈક ચાલકનો જમણો પગ કાપવો પડયો હતો. સદભાગ્યે બાઈક પર સવાર પાંચ માસની બાળકીનો આબાદ બચાવ થયો હતો.

ઘટના અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી લક્ષ્મીબેન રાજેશભાઈ મેર તા.ર૯ ઓકટોબરના રોજ તેમના પતિ રાજેશભાઈ, પુત્રવધૂ જાગૃતિબેન તથા તેની પાંચ મહિનાની દીકરી નિત્યાને લઈ તેમના મોટરસાયકલ પર નકળંગ આશ્રમથી ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાના સુમારે મોટરસાયકલ રોંગ સાઈડમાં ચલાવ્યું હતું.

જ્યારે રાજેશભાઈ રોંગ સાઈડમાં બાઈક ચલાવી રહ્યા હતા તે જ સમયે સામેથી જેતપુર તરફથી એક એમ્બ્યુલન્સ આવી રહી હતી. એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને સામેથી જોરદાર ટક્કર મારતા ચારેય જણા રોડ પર નીચે પડી ગયા હતા. અકસ્માતમાં લક્ષ્મીબેનને જમણા પગે ફેકચર અને પુત્રવધૂ જાગૃતિબેનને પણ જમણા પગે ફેકચર થયું હતું.

ગંભીર રીતે ઘવાયેલા રાજેશભાઈને વધુ લોહી નીકળતું હોવાથી પ્રથમ જૂનાગઢ અને ત્યારબાદ રાજકોટની ગોકુળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન નસ તૂટી ગઈ હોવાથી ડૉક્ટરે તેમના જમણા પગનું ઓપરેશન કરી પગ કાપ્યો હતો.

આ ગંભીર ઘટના બન્યા બાદ બન્ને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. આખરે ૧ નવેમ્બરના રોજ લક્ષ્મીબેનની ફરિયાદના આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસે એમ્બ્યુલન્સના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.