ભિલોડાઃ હિંમતપુર ગામનો શ્રીનગરમાં ફરજ બજાવતો આર્મી જવાન બીમારીથી હાર્યોઃ પાર્થિવ દેહ વતને પહોંચ્યો
ભિલોડાઃ અરવલ્લી જીલ્લાના યુવાનો લશ્કરમાં જોડાઈ માં-ભોમની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા છે.ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને જમ્મુ કાશ્મીર રાજયના શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સર નામની જીવલેણ બીમારીથી મોત નીપજ્યું હતું.આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી.શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.આર્મી જવાનનો નશ્વરદેહ ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
હિંમતપુર ગામના નટુભાઈ સુરામભાઇ ગામેતી દેશની સેવા માટે ભારતીય લશ્કરમાં જોડાયા હતા.૧૬ વર્ષથી દેશના વિવિધ સ્થળોએ માં-ભોમની રક્ષા કરી ઋણ અદા કરી રહ્યા હતા.શ્રીનગર ફરજ દરમિયાન આર્મી જવાનને કેન્સરની બીમારી થતા શ્રીનગરની સ્થાનિક લશ્કરી હોસ્પિટલ અને દિલ્હી લશ્કરી હોસ્પિટલમાં સઘન સારવાર આપવામાં આવી હતી.હાલ આર્મી જવાનની અમદાવાદ લશ્કરી હોસ્પિટલમાં સઘન સારવાર આપવા છતાં દુશ્મનોને હરાવવા સજ્જ બનેલ નટુભાઈ ગામેતી જિંદગી સામેનો જંગ હારી જતા મોત નિપજતા આર્મી જવાનના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયું હતું.આર્મી જવાનના પાર્થિવદેહ ને તેમના માદરે વતન હિંમતપુર ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમક્રિયા કરવામાં આવી હતી.૧૬ વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા નટુભાઈ ગામેતી નિવૃત્તિના બે મહિના પહેલા કેન્સર નામની બીમારીથી મોત ભેટતા તેમના ૮ અને ૬ વર્ષીય સંતાને પિતૃછાયા ગુમાવતા અને તેમના પત્નીએ આધાર ગુમાવતા ભારે આઘાતમાં સરી પડ્યા હતા.