કાલુપુર સ્ટેશનમાં ત્રણ નવા પ્લેટફોર્મ, વટવામાં મેગા ટર્મિનલનો વિકાસ કરાશે
વટવામાં ૧૫૦ ટ્રેનના સંચાલનની વ્યવસ્થા ઊભી કરાશે
અમદાવાદના આર્કિટેકચરલમાં મિનાર અને ઝૂલતા મિનારાની પુનઃ વિકાસની યોજના પણ તૈયાર કરવામાં આવી
અમદાવાદ,અમદાવાદ રેલવે સ્ટેશનને ત્રણ વધારાના પ્લેટફોર્મ મળવાની સાથે વટવામાં એક મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે. જેમાં ૧૦ પિટ લાઇન બનાવીને ૪૫ ટ્રેનની ક્ષમતા સાથે કુલ ૧૫૦ ટ્રેનોનું સંચાલન થાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. તેવી જાહેરાત આજે અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાતે આવેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી.
અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે ૧૬ માળની આધુનિક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સરસપુર તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ ચાલી રહી છે. આ ઉપરાંત અમદાવાદ હાઇ સ્પીડ રેલવે સ્ટેશનની કામગીરી પૂર્ણ થવા આવી છે. સરસપુર મેટ્રો સ્ટેશનની કામગીરી પૂરી થતાં હાલમાં મુસાફરો માટે ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે.
અમદાવાદ રેલવે સ્ટેશનમાં વધારાના ત્રણ પ્લેટફોર્મ ઊભા કરવામાં આવશે. જેના કારણે ટ્રેનોની સંચાલનની ક્ષમતા વધવાની સાથે કાલુપુર અને સરસપુર બંને બાજુથી આવતા મુસાફરો માટે આવન-જાવન સરળ થશે. કાલુપુર અને સરસપુર બંને બાજુના સ્ટેશનનોને કોન્કોર્સ, એલિવેટેડ રોડ અને ફૂટ ઓવર બ્રિજથી જોડાશે. રેલવે મંત્રીએ કહ્યું કે હાલમાં દેશમાં કુલ ૨૦ સ્ટેશનો જેવા કે દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતાની સાથે સાથે અમદાવાદમાંથી નવી ટ્રેનો દોડાવવાની માગ સૌથી વધુ મળી રહી છે.
ગુજરાતમાં અમદાવાદની સાથે સાથે સુરતમાંથી પણ વધારે ટ્રેનો દોડાવવાની માગણી મળી છે. આ માગણીને ધ્યાનમાં રાખીને વધારે ટ્રેનોનું સંચાલન થઇ શકે તે માટે અમદાવાદના વટવામાં એક મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે. કુલ ૧૫૦ ટ્રેનોનું સંચાલન થઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાશે. પુનઃ વિકાસ અંતર્ગત સ્ટેશનને સાંસ્કૃતિક વારસાથી પણ સજ્જ કરાશે.
અમદાવાદના આર્કિટેકચરલમાં મિનાર અને ઝૂલતા મિનારાની પુનઃ વિકાસની યોજના પણ તૈયાર કરવામાં આવી છે. રેલવેમાં ૧૫ એકર વિસ્તારમાં કોન્કોર્સ પ્લાઝા અને ૭ એકરનો મેઝેનાઇન પ્લાઝા બનશે. જેમાં મુસાફરો માટે વેઇટિંગ રૂમ, શૌચાલય, ફૂડ કોર્ટ, રિટેલ દુકાનો વગેરે વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત સ્વસંચાલિત પાર્સલ ડેપો સિસ્ટમ અને દિવ્યાંગજનો માટે લિફ્ટ અને એસ્કેલેટરની પણ વ્યવસ્થા ઊભી કરાશે.ss1
