નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
મેદાની રાજ્યોમાં હળવો વરસાદ
પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે, પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે
મુંબઈ,ભારતીય હવામાન વિભાગ એ આગાહી કરી છે કે દેશમાં હવામાન ફરી એકવાર પરિવર્તિત થશે. પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાને કારણે, પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાની શક્યતા છે, જ્યારે મેદાની વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. આ હવામાન પરિવર્તનને લીધે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે, પરિણામે ઠંડી વધશે.
દિલ્હી-એનસીઆરમાં પણ તેની અસર વર્તાશે, જ્યાં વરસાદથી પ્રદૂષણમાં થોડી રાહત મળવાની સંભાવના છે. વધુમાં, અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી, આગામી દિવસોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવનો અને વરસાદ પડવાની શક્યતા છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં ૪ અને ૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ પશ્ચિમી વિક્ષોભ સક્રિય થવાની સંભાવના છે.
જેના કારણે પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે, જ્યારે કેટલાક મેદાની રાજ્યોમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી રાજસ્થાનમાં વીજળી સાથે હળવો વરસાદ જોવા મળી શકે છે. ખાસ કરીને ૪ નવેમ્બરના રોજ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની સાથે વરસાદ અથવા બરફવર્ષા થવાની સંભાવના છે.
૫ નવેમ્બર સુધી અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં વીજળી સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવનો ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ૫થી ૭ નવેમ્બરની વચ્ચે ગુજરાત, મરાઠવાડા, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે. તે સિવાય ૩ નવેમ્બરે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ગર્જના-વીજળી સાથે તોફાન આવવાના સંકેતો છે.ss1
