ધર્મેન્દ્ર અને અગત્સ્ય નંદાની ‘ઇક્કિસ’ ૨૫ ડિસેમ્બરે રિલીઝ થશે
પહેલાં આ ફિલ્મ ૨ ઓક્ટોબરે રિલીઝ થવાની હતી
દેશના સૌથી યુવા પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલ પર આધારીત ફિલ્મ
મુંબઈ,શ્રી રામ રાઘવનની ફિલ્મનો એક અલગ દર્શક વર્ગ છે, તેઓ એવી થ્રિલર ફિલ્મ બનાવવા માટે જાણીતા છે, જેમા કોઈ પણ ફિલ્મમાં આગળ શું થશે તે ધારી શકતું નથી. હવે તેઓ એક બાયોગ્રાફિકલ વાર ડ્રામા ‘ઇક્કિસ’ સાથે આવી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે અને ફિલ્મ હવે ૨૫ ડિસેમ્બરે થિએટરમાં રિલીઝ થઈ રહી છે. મેડોક ફિલમ્સ અને દિનેજ વિજાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં ૧૯૭૧માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહિદ થનાર દેશના સૌથી નાની ઉમરના પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.
આ ફિલ્મનું નામ ‘ઇક્કિસ’ શહીદી વખતની અરુણ ખેતરપાલની ઉંમર પરથી રાખવામાં આવ્યું છે. અગત્સ્ય નંદા આ ફિલ્મમાં અરુણ ખેતરપાલનો રોલ કરે છે. જ્યારે ધર્મેન્દ્ર અરુણ ખેતરપાલના પિતાનો મહત્વનો અને ભાવુક રોલ કરે છે, આ ફિલ્મમાં જયદીપ આહલાવત અને સિકંદર ખેર પણ મહત્વના રોલમાં જોવા મળશે. શ્રી રામ રાઘવન થ્રિલર જોનરથી અલગ જોનરની ફિલ્મમાં લાંબા સમય પછી જોવા મળશે. તેઓ આ ફિલ્મને વેલકમ બ્રેક ફિલ્મ ગણાવી રહ્યા છે, જેમાં તેઓ થ્રિલર અને ક્રાઇમથી અલગ લાગણીઓથી ભરપુર યુદ્ધની વાત કહી રહ્યા છે, જેમાં યુદ્ધના સીન મહત્વના હશે.
શરૂઆતમાં તેઓ ૨૦૧૯માં આ ફિલ્મ કરવા માગતા હતા અને તેમાં વરુણ ધવન લીડ રોલમાં હતો. પરંતુ પેન્ડેમિક અને લોકડાઉનના કારણે ફિલ્મ પાછી ઠેલાતી રહી અને તેના કારણે કલાકારો બદલાતા રહ્યા અને અંતે અગત્સ્ય નંદા આ ફિલ્મના લીડ રોલમાં પસંદ થયો. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું છે, તેના ઘણા વખાણ થયા છે અને તેના કારણ ફિલ્મ ચર્ચામાં આવી છે. તેની પકડી રાખે એવી વાર્તા સાથે અગત્સ્યની એક્ટિંગના પણ વખાણ થઈ રહ્યા છે. ફિલ્મમાં ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની બસંતરની લડાઈ પર આધારીત છે, જેમાં યુવાન સૈનિકોની અપાર હિંમતની વાત છે, જેમાં અરુણ ખેતરપાલ અતિ ઘાયલ હોવા છતાં પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાની ટેન્કને છોડવાનો ઇનકાર કરે છે.
તેમને મરણોપરાંત દિશનું સૌથી મોટું મિલિટ્રી સન્માન પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. અગત્સ્યએ ઝોયા અખ્તરની ઓટીટી ફિલ્મ ‘ધ આર્ચી સ્ટોરી’થી ડેબ્યુ કર્યા પછી આ તેની પહેલી થિએટર રિલીઝ છે. પહેલાં આ ફિલ્મ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે રિલીઝ થવાની હતી. પરંતુ મેડોક્સ દ્વારા આ ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ss1
