Western Times News

Gujarati News

અમદાવાદમાં ૯ મી થી ૨૨ નવેમ્બર સુધી વિધાનસભા સહ એક્તા માર્ચનું (પદયાત્રા) આયોજન

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

અમદાવાદ, કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે આજરોજ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદશ્રી હસમુખભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધતાં જણાવ્યું હતું કે, “દેશની એક્તા અને અખંડિતતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ૧૫૦મી જન્મજયંતિ હતી. દેશની આઝાદીમાં અને રાજા-રજવાડાઓમાં વહેંચાયેલા આપણા દેશને એક તાંતણે બાંધવામાં સરદાર સાહેબનું મહત્વનું યોગદાન રહેલું છે.

ભારતીય જનતા પાર્ટીની સરકારે હરહંમેશ સરદાર સાહેબના યોગદાનને યાદ કરીને વિવિધ કાર્યક્રમોના મારફતે પ્રજાજન સુધી તેમના વિચારોને પહોચાડવાનું કામ કર્યું છે. આ વર્ષે ૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે સમગ્ર દેશમાં એક્તા માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પણ વિધાનસભાના સહ આશરે ૫ થી ૮ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

કર્ણાવતી મહાનગરમાં તારીખ ૯ નવેમ્બર થી ૨૨ નવેમ્બર સુધીમાં વિધાનસભા સહ એક્તા માર્ચનું (પદયાત્રા) આયોજન કરવામાં આવ્યું છે. દરેક એક્તા માર્ચમાં તે વિધાનસભામાં આવતા વિવિધ સમાજના આગેવાન, ૧૫૦ થી વધુ યુવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાશે.

પદયાત્રામાં આત્મનિર્ભર ભારતનો સંદેશ આપવામાં આવશે સાથે જે તે વિધાનસભામાં રહેતા સમાજના શ્રેષ્ઠીઓ, કલાકારો, શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. “સૌના સરદાર, હિંદના સરદાર” સુત્રને ચરિતાર્થ કરતાં યાત્રામાં સર્વ સમાજ સાથે જોડાઈને એક્તાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

આજની પ્રેસ કોન્ફરન્સમાં મહાનગર અધ્યક્ષશ્રી પ્રેરકભાઈ શાહ, રાજ્યસભાના સાંસદશ્રી નરહરિભાઈ અમિન, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ મહાનગરના મહામંત્રીશ્રી જીતુભાઈ પટેલ, મહામંત્રીશ્રી પરેશભાઈ લાખાણી તેમજ મહામંત્રીશ્રી ભુષણભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.