દેશની યુવા પેઢીને પ્રાચીન શિલ્પકલા અને સ્થાપત્યનું જ્ઞાન આપવા ‘સોમપુરા સ્થાપત્ય ગ્રંથ’નું અનાવરણ કરાયું
અમદાવાદ, 03 નવેમ્બર, 2025: ભારતના સમૃદ્ધ અને પ્રાચીન શિલ્પકલા અને સ્થાપત્યનું જ્ઞાન આપણી ભાવિ યુવાપેઢીને વારસામાં મળે તથા કલાનું શાસ્ત્રીય વિધાન જળવાઇ રહે તેવા ઉદ્દેશ્ય સાથે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશન અને સોમપુરા કેળવણી કેન્દ્ર દ્વારા તાજેતરમાં ‘સોમપુરા સ્થાપત્ય ગ્રંથ’નું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય સંતશ્રી પરમ પૂજ્ય રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)ના હસ્તે સોમપુરા સ્થાપત્ય ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રાચીનકાળથી સોમપુરા શિલ્પી જૈન દેરાસરોના શિલ્પ સ્થાપત્યો અને મહાલયોના બાંધકામ વ્યવસાયમાં કાર્યરત છે. જોકે, હવે ખૂબજ ઓછી સંખ્યામાં સોમપુરા જ્ઞાતિના પરિવારો વંશપરંપરાગત શિલ્પસ્થાપત્ય કળા સાથે સંકળાયેલા છે.
શિલ્પકલા અને સ્થાપત્યની પ્રાચીન કલાને યથાવત જાળવી રાખવા માટે સોમપુરા કેળવણી કેન્દ્ર દ્વારા સોમપુરા સ્થાપત્ય નામનો ગ્રંથ લખવામાં આવ્યો છે. ભારતના સોમનાથ ક્ષેત્ર અને વિવિધ પ્રાંતોમા વસવાટ કરતાં સોમપુરા શિલ્પકારો પરંપરાગત શિલ્પ સ્થાપત્ય કળા સાથે સંકળાયેલા છે. આ પુસ્તક શિલ્પ સ્થાપત્ય કળા ક્ષેત્રે અભ્યાસ કરતાં અને આગળ આવતા ઇચ્છુક યુવાનો માટે માર્ગદર્શક બની રહેશે.
આ પ્રસંગે ભાગવતાચાર્ય સંતશ્રી પરમ પૂજ્ય રમેશભાઇ ઓઝા (ભાઇશ્રી)એ જણાવ્યું હતું કે, સોમપુરા સમાજના યુવાનો અભ્યાસની સાથે-સાથે તેમનું શાસ્ત્ર અને પરંપરા પણ જાળવી રાખે તેવો મારો અનુરોધ છે. સોમપુરા જ્ઞાતિના શિક્ષિત યુવાનો તેમની પરંપરા અને પદ્ધતિને પ્રોફેશનલ અભિગમથી વધુ સારી રીતે આગળ લઇ જઇ શકશે. શિલ્પકલા માત્ર વ્યવસાય જ નહીં, પરંતુ આપણો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે.
આ ગ્રંથ વિમાચોન પ્રસંગે સોમપુરા સ્થાપત્ય ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી રાજેશ સોમપુરાએ જણાવ્યું હતું કે, આ ગ્રંથને ઘણાં સંતો અને મહાનુભાવોએ માત્ર ગ્રંથ નહીં, પરંતુ ધર્મગ્રંથનું નામ આપ્યું છે. આ ગ્રંથ ભારતીય સ્થાપત્ય કલાનો અભ્યાસ કરતાં નવા શિલ્પકારો, અભ્યાસુઓ તેમજ પીએચડી કરતાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓને આપણી સમૃદ્ધ શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે સચોટ માર્ગદર્શન આપશે. મને વિશ્વાસ છે કે આ ગ્રંથ આવનારી યુવા પેઢીઓ માટે માર્ગદર્શક બની રહેશે કે જેના મદદથી તેઓ આ અદભૂત કલાનો દેશ-વિદેશમાં વધુ વિસ્તાર કરી શકશે.
ઉલ્લેખનીય છે કે ભારતીય સોમપુરા શિલ્પકારોના અથાક પરિશ્રમથી પહડોની છાતી ચીરી તેમાંથી દુધિયા, મગીયા, રતુંબડા, શ્યામ, રેતાળવા કે ચુનાળવા પત્થરની દીર્ધકાય શિલાઓ ખોદી કાઢીને જળપાષાણને સજીવરૂપ આપી પુરાણના કાવ્યને હુબહુ દેખાડ્યું છે.
વિશ્વની શિલ્પકલાના ઇતિહાસમાં ભારતના સોમપુરા શિલ્પીઓએ અજોડ કલામંડિત સ્થાપત્યો રચીને શિલ્પકલાને ચારે દિશામાં ફેલાવી છે. પત્થર જેવી નિર્જન વસ્તુને ટાંકણા અને હથોડાની મદદથી અનેકવિધ સ્વરૂપે કલાના ઉત્કૃષ્ટ નુમાનાઓ જેમકે સદીઓ જૂના મંદિરો, જીનાલયો, મહાલયો, કિલ્લાઓ, જગ પ્રસિદ્ધ વાવ, શિલ્પો જેવાં અનેક અમર શિલ્પોની અદ્વિતિય કૃતિઓનું સોમપુરા શિલ્પીઓએ સર્જન કર્યું છે.
