Western Times News

Gujarati News

છત્તીસગઢમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર: ૭ના મોત

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા મૃત્યુ આંક વધવાની દહેશત

બિલાસપુર, છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં લાલખદાન પાસે એક મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. હાવડા રૂટ પર ચાલી રહેલી પેસેન્જર ટ્રેન અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. દુર્ઘટના બાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ છે.

ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા છે. જેનાથી મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો. પ્રાથમિક જાણકારી અનુસાર, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા૬ લોકોના મોત થયા છે. જ્યારે ઘણાં મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.રેલવે વિભાગ દ્વારા તરત જ રેસ્ક્્યુ ટીમ અને મેડિકલ યૂનિટને ઘટના સ્થળે મોકલી દેવામાં આવી છે.

સ્થાનિક પ્રશાસનની પણ મદદ લેવામાં આવી છે. દુર્ઘટનાના કારણે આખા રૂટ પર ટ્રેનનું પરિવહન ઠપ્પ થઈ ગયું છે. ઘણી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે અથવા તો ડાયવર્ડ કરી દેવામાં આવી છે. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઓવરહેડ વાયર અને સિગ્નલ સિસ્ટમને નુકસાન પહોંચ્યું છે.

આ દુર્ઘટના બિલાસપુર-કટની સેક્શનમાં સર્જાઈ છે. જે વ્યસ્ત રેલમાર્ગ છે. રેલવેએ તપાસ શરૂ કરી દીધી છે. મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, અપડેટ માટે હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરે. સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

રેલવે પ્રશાસને તરત જ અકસ્માતની જાણ થતાં જ ઇમર્જન્સી ટીમોને મોકલી દીધી. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોના ઈલાજ માટે તમામ જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે. બિલાસપુરના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ સતત ઘાયલોની સંભાળ રાખી રહી છે.

રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે, જેથી પરિવારજનો તેમના મુસાફરોની માહિતી મેળવી શકે. આ ઉપરાંત, એનડીઆરએફ અને સ્થાનિક રેસ્ક્્યુ ટીમો સ્થળ પર પહોંચી રાહત કાર્યમાં લાગી ગઈ છે. પાટા પરથી ઉતરેલા ડબ્બાઓને દૂર કરવા અને નુકસાનગ્રસ્ત ટ્રેક સમારકામ માટે ક્રેન અને મશીનરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અકસ્માતના કારણે હાવડા રૂટ પર ટ્રેન સંચાલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. ઘણી એક્સપ્રેસ અને પેસેન્જર ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટથી ડાયવર્ટ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા મુસાફરોને ધીરજ રાખવા અને અપડેટ્‌સ માટે અધિકૃત વેબસાઇટ અથવા એપ ચેક કરવાની અપીલ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં સિગ્નલ ફેલિયર અથવા માનવીય ભૂલને અકસ્માતનું કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ વિગતવાર તપાસ માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. રેલ મંત્રીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતાં મૃતકોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.