અમદાવાદમાં મેલેરીયાના વાવડઃ કોલેરામાં રાહત
Files Photo
(પ્રતિનિધી) અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદમાં દિવાળીના તહેવારો બાદ પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ સપ્તાહથી કોલેરાનો એક પણ કેસ નોંધાયો નથી જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ મેલેરીયા, ઝેરી મેલેરીયાના કેસમાં વધી રહ્યા છે જેના કારણે તંત્ર ફરી એક વખત દોડતું થયું છે.
અમદાવાદ શહેરમાં ઓક્ટોબર મહિના દરમ્યાન સાદા મેલેરીયાના ૮૪, ઝેરી મેલેરીયાના ૨૮ અને ડેન્ગ્યુના ૨૫૩ કેસ નોંધાયા છે. વર્ષ દરમ્યાન સાદા મેલેરીયાના ૮૧૧, ઝેરીમેલેરીયાના ૧૫૬, ડેન્ગ્યુના ૧૪૩૭ અને ચીકનગુનિયાના ૫૬ કેસ નોંધાયા છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં ડેન્ગ્યુના ૨૬, લાંભામાં ૬૧, રામોલમાં ૫૪, ગોતામાં ૬૯, અને ચાંદલોડીયામાં ૪૯ કેસ નોંધાયા છે.
ઝોન મુજબ જોવામાં આવે તો મધ્ય ઝોનમાં ૧૪૪, પશ્ચિમમાં ૧૮૦, ઉત્તરમાં ૨૬૮, પૂર્વમાં ૨૯૭, દક્ષિણમાં ૨૬૬, ઉ.પશ્ચિમમાં ૧૭૭ અને દ. પશ્ચિમમાં ૧૦૫ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના રોગચાળામાં એક વર્ષ સુધીના ૧૬ બાળકો ઝપેટમાં આવ્યા છે. જ્યારે ૧ થી ૪ વર્ષની વયમાં ૧૧૬ પાંચથી ૮ વર્ષમાં ૧૧૨, ૯ થી ૧૪ વર્ષમાં ૨૩૪, ૧૫ થી વધુ વયમાં ૯૫૯ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના દર્દીમાં ૭૯૫ પુરુષો અને ૬૪૨ મહિલાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા સપ્તાહ દરમ્યાન ઝાડા-ઉલ્ટીના ૬૧, કમળાના ૩૩, ટાઈફોડના ૪૪ કેસ નોંધાયા છે. સમગ્ર વર્ષ દરમ્યાન ઝાડા-ઉલ્ટીના ૫૬૧૦, કમળાના ૨૮૫૯, ટાઈફોડના ૩૮૦૭ અને કોલેરાના ૧૦૩ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિ. કોર્પાે. દ્વારા છેલ્લા સપ્તાહ દરમ્યાન પાણીના ૧૭૯ સેમ્પલ પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા જે તમામ ફીટ સાબિત થયા હતા.
તેવી જ રીતે રેસીડેન્સીયલ ક્લોરીનના ૧૨૦૦ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તે પણ તમામ ફીટ સાબિત થયા છે. ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લા પાંચ સપ્તાહથી કોલેરાનો કોઈ જ કેસ નોંધાયો નથી. ૨૦૨૪માં કોલેરાના ૨૦૪ કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે મ્યુનિ. કોર્પાે.એ વોટરજગના ઉત્પાદકોની ફેક્ટરીઓમાંથી સેમ્પલ લઈ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને અનફીટ સેમ્પલ મળતાં મોટાભાગની ફેક્ટરીઓ સીલ કરવામાં આવી હતી. જેના સારા પરિણામ જોવા મળ્યા છે.
